હાટકેશ્ર્વર બ્રિજ: કંપનીઓએ રસ ન દાખવતા મનપા દ્વારા ફરી ટેન્ડર બહાર પાડવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદના હાટકેશ્ર્વર બ્રિજ કામમાં ભ્રષ્ટાચાર થતા બ્રિજ તોડી નાખવા આદેશ કરાયો હતો. જોકે બ્રિજ તોડી નવો બનાવવા કોઈ કંપનીએ ટેન્ડર જ ન ભરતા હવે ફરીવાર મનપા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવશે અને તેને પણ કોઈ પ્રતિભાવ નહીં મળે તો આખરે બ્રિજ બનાવનારી કપનીને જ ફરી કોન્ટ્રાક્ટ આપવાની ફરજ પડી શકે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના હાટકેશ્ર્વર બ્રિજના આઠ સ્પાન તોડી પાડી નવેસરથી બાંધવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં. જોકે એકપણ કંપનીએ આ કામગીરીમાં રસ નહીં દાખવતાં હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવશે. અંદાજે ૨૫ કરોડના ખર્ચે બ્રિજના સ્પાન તોડી નવેસરથી બનાવવાના છે. હવે ડિસેમ્બરમાં નવેસરથી ટેન્ડર ફરી બહાર પડે તેવી શક્યતા છે. બ્રિજના કામમાં અન્ય કંપનીઓ કેમ રસ દાખવતી નથી તેવા પ્રશ્ર્નના જવાબમાં મનપાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બ્રિજનું નિર્માણ કરતી મોટાભાગની કંપનીઓ એક જ વિસ્તારની હોવાથી ટેન્ડર ભરવામાં રસ દાખવતી નથી. અગાઉ પણ એક કિસ્સામાં આવું જ બન્યું હતું અને છેલ્લે જે કંપની પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લેવામાં આવ્યો હતો તેને જ ફરી કોન્ટ્રાક્ટ આપવો પડ્યો હતો. હાટકેશ્ર્વર બ્રિજનો કેટલો હિસ્સો તોડવાનો છે તે અંગેનો અંતિમ રિપોર્ટ આવી ગયા પછી નિર્ણય લેવાશે. હવે પછીનું ટેન્ડર જાન્યુઆરીમાં ખુલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાટકેશ્ર્વર બ્રિજના નબળા કામકાજને લઇ બ્રિજ તોડી પાડવા આદેશ અપાયો હતો. જોકે તેને તોડી પાડવાનું ટેન્ડર એક પણ કંપનીએ ભર્યું ન હોવાનું સામે આવતા હવે ફરી એકવાર ટેન્ડર બહાર પાડવામાં આવશે. હાટકેશ્ર્વર બ્રિજના પુન:નિર્માણમાં ફરી વિવાદથી બચવા કંપનીઓ ટેન્ડરથી દૂર ભાગી રહી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.