બનાસકાંઠાના આદિવાસી વિસ્તારોના ઉત્થાન માટે કામ કરનારા હસમુખભાઈ પટેલની જમનાલાલ બજાજ એવોર્ડ માટે પસંદગી

અમદાવાદ: ગ્રામીણ વિસ્તારોમાં રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પરિશ્રમ કરાનારાઓને – સંસ્થાઓને અપાતા પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ એવોર્ડ – ૨૦૨૫ માટે બનાસકાંઠાના હસમુખભાઈ પટેલ – સંવેદના ટ્રસ્ટ, વીરમપુરની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ ૧૯૭૭માં સ્થપાયેલા જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અપાય છે. પુરસ્કૃત સમાજસેવી-સંસ્થાને રૂપિયા વીસ લાખ અને ટ્રોફી-માનપત્ર એનાયત કરવામાં આવે છે.
છેલ્લા ચાર દાયકા ઉપરાંતના સમયથી બનાસકાંઠાના છેવાડાના આદિવાસી બહુલ, ગ્રામીણ વિસ્તાર અમીરગઢ, વાવ તાલુકામાં વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક અને આરોગ્યવિષયક ઝૂંબેશ, કુપોષણ સામેની લડાઈ તથા અન્ય રીતે સામાન્ય માનવીના સર્વાંગી વિકાસ માટે પ્રવૃત્તિમય હસમુખભાઈ પટેલ યુવાનીકાળથી જ સંઘર્ષ અને સંવાદની ભૂમિકા સાથે, ગાંધી-વિનોબા-જેપીના વિચાર મૂલ્યો સાથે સંકળાઈને સતત કાર્ય કરતા રહ્યા છે.
પ્રારંભમાં અમીરગઢ અને પછી વીરમપુરમાં પલાંઠીવાળીને બેઠેલા આ સમાજસેવીએ સામાન્યજન પ્રત્યે દયા નહીં પરંતુ આદર સાથે, તેના આર્થિક-સામાજિક વિકાસ માટે કામ કર્યું છે. વીરમપુરમાં સંવેદના ટ્રસ્ટના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય, જળસંચય, કૃષિક્ષેત્રે સ્વાવલંબન, કુપોષણ અને કુરિવાજો સામેની લડાઈ જેવા મુદ્દે સાતત્યપૂર્ણ કામગીરી બજાવનારા હસમુખ પટેલ નવનિર્માણ આંદોલન, જેપી મૂવમેન્ટ કટોકટીકાળમાં મીસાવાસ, નર્મદા યોજના અને અસરગ્રસ્તોના પુન:વસન માટેની કામગીરીની પાશ્વાદભૂ ધરાવે છે.
ગુજરાતમાં જમાનાલાલ બજાજ એવોર્ડથી સન્માનિત અગિયાર મહાનુભાવો-સંસ્થાઓની યાદીમાં હવે સ્થાન પામી રહેલા હસમુખ પટેલ અન્ય પુરસ્કારોથી પણ સન્માનિત થયા છે. આ એવોર્ડ હવે પછી યોજાનારા એક વિશિષ્ટ સમારોહમાં એનાયત થશે એની વિગતો જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા જાહેર કરાશે.
કોણ કોણ થયું છે આ એવોર્ડથી સમ્માનિત?
અગાઉ, ગ્રામીણ વિકાસ-પુનરુત્થાન ક્ષેત્રે અપાયેલા અને એવોર્ડથી સન્માનિત કર્મઠ આગેવાનોમાં (૧) સ્વ જુગતરામ દવે – વેડછી (૧૯૭૮), (૨) સ્વ મનુભાઈ પંચોળી – લોકભારતી, સણોસરા (૧૯૯૬), (3) સ્વ નારાયણભાઈ દેસાઈ (૧૯૯૯), (4) સ્વ ચુનીભાઈ વૈધ – અમદાવાદ (૨૦૧૦) વગેરેનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશન દ્વારા સાયન્સ અને ટેકનોલોજી દ્વારા ગ્રામોત્થાનની પ્રવૃત્તિ માટે પણ એવોર્ડ અપાય છે.
તેમાં ગુજરાતના જે મહાનુભાવો સ્થાન પામ્યા છે. તેમાં (૧) સ્વ. મોહન પરીખ – બારડોલી (૧૯૮૪), (૨) સ્વ. ઈશ્વરભાઈ પટેલ – સફાઈ વિદ્યાલય (૧૯૮૮), (3) ડૉ. અરૂણભાઈ દવે – લોકભારતી સણોસરા (૨૦૦૨),(4) શ્રી મનસુખભાઈ પ્રજાપતિ (૨૦૨૨) નો સમાવેશ થાય છે. એવી જ રીતે મહિલાઓ અને બાળવિકાસની પ્રવૃત્તિ માટેના એવોર્ડથી (૧) સ્વ. પુષ્પાવતીબહેન મહેતા (૧૯૮૩), (૨) ‘હરિશ્ચંદ્ર’બહેનો તરીકે જાણીતા સ્વ.કાંતાબેન શાહ- હરવિલાસબેન શાહ (૧૯૯૩),(3) અરૂણાબેન દેસાઈ – વઢવાણ (૨૦૦૫) પણ સન્માન પામેલાં છે.



