ખાખી માટે તૈયાર થઈ જાઓ: હસમુખ પટેલે શારીરિક કસોટીની તારીખોને લઈને આપ્યું મહત્વપૂર્ણ અપડેટ…
ગાંધીનગર: ગુજરાતમાં ખાખી પહેરવાનું સપનું સેવીને પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. બે તબક્કામાં અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પીએસઆઈના પદ માટે 4.99 હજાર અને કોન્સ્ટેબલના માટે 11.5 લાખ અરજીઓ મળી છે. ત્યારે હવે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખોને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપ્યા છે.
આ પણ વાંચો : ખાખીની કર્તવ્યનિષ્ઠાને સલામ! એક હાથમાં ચડી રહ્યો છે બાટલો અને બીજા હાથે જ ફરજની કલમ: Video Viral
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ ભરતીને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં તે સમયે કુલ પીએસઆઈ માટે ૪.૪૭ લાખ અને લોકરક્ષક માટે ૯.૭૦ લાખ અરજીઓ બોર્ડને મળી હતી. જો કે આ બાદ ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં આ જગ્યાઓ પર ઓનલાઈન અરજી કરવાના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી. બંને મળીને કુલ પીએસઆઈ માટે 4.99 હજાર અને કોન્સ્ટેબલના માટે 11.5 લાખ અરજીઓ મળી છે.
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે જણાવ્યું હતું કે આગામી નવેમ્બરમાં પોલીસની ભરતી માટેની શારીરિક કસોટીનું આયોજન થશે. જેમાં પીએસઆઈને પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે ત્યારબાદ લોકરક્ષકની શારીરિક કસોટી લેવામાં આવશે. કારણ કે પીએસઆઇની મુખ્ય પરીક્ષામાં બે પેપર હોય અને તેની તપાસમાં પણ ઘણો સમય જતો હોવાથી તેની પરીક્ષા પહેલા લેવામાં આવશે. પીએસઆઈ લેખિત પરીક્ષાનું આયોજન ડિસેમ્બર અથવા જાન્યુઆરીના પ્રારંભમાં થશે.