સુરત પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ, પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન બોલ્યા હર્ષ સંઘવી

સુરતઃ ગુજરાતમાં અનેક શહેરોમાં ગુનેગારોને પોલીસની બીક ન હોય તેમ છડેચોક કાયદાના લીરા ઉડાવ્યા હોવાની અનેક ઘટના સામે આવી છે. આ દરમિયાન આજે સુરતમાં હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું, પોલીસનું નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ. પોલીસને અપાયેલા દંડાનો ઉપયોગ થવો જ જોઈએ.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે પોલીસકર્મીઓને આપેલી તમામ સત્તાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરતા કહ્યું કે જો વધુ ઉપયોગ કરો તો ડબલ કરજો, હું તમારી સાથે છું. પોલીસને અપાયેલો દંડાનો ઉપયોગ થવો જ જોઈએ, પરંતુ તે સામાન્ય નાગરિકને હેરાન કરનારા લોકો માટે જ રાખવામાં આવ્યો છે, અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ થવો જોઈએ. સામાન્ય માણસમાં પોલીસનો ડર ન હોવો જોઈએ.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને બિરદાવતા જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે જંગ છેડ્યો છે. 70થી વધુ પાકિસ્તાની, ઈરાની અને ડ્રગ્સ લાવતા દુષણખોરોને પકડવાનું કામ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, પોલીસની કામગીરીને સશક્ત, સુવિધાયુક્ત, સરળ, સુદૃઢ અને સાર્વત્રિક બનાવવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગૃહવિભાગ પૂર્ણતઃ પ્રતિબદ્ધ છે. પોલીસ તંત્ર આધુનિક ટેક્નોલોજી અને ઉપલબ્ધ સુવિધાઓના માધ્યમથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સમર્પિત ભાવથી સેવારત છે.