ખેલૈયાઓ મન મૂકીને નાચોઃ હર્ષ સંઘવી લાવ્યા છે તમારા માટે ખુશ ખબર…

અમદાવાદઃ ગઈકાલે જ અમદાવાદ પોલીસે નવરાત્રી રાત્રે 12 વાગ્યા સુધી જ રમી શકાશે તેવી માર્ગદર્શિકા બહાર પાડી હતી ત્યારે આજે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ખેલૈયાઓને ખુશ કરી દે તેવી જાહેરાત કરી છે. સંઘવીએ રાત્રે 12 વાગ્યાની મર્યાદા હટાવી નાખી છે અને મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગી આપી છે. સંઘવીએ કહ્યું છે કે આ નવ દિવસ ખેલૈયાઓ મા અંબાની મન મૂકીને ભક્તિ કરે અને મોડી રાત સુધી ગરબે ઘુમવા મળે તે માટે ભુપેન્દ્ર પટેલ સરકારે આ નિર્ણય લીધો છે. જોકે તેમણે મોડી રાત્રે એટલે કે કેટલા વાગ્યા સુધી તેવો કોઈ ખુલાસો કર્યો નથી.
તેમણે એમ પણ કહ્યું છે કે આ દિવસો દરમિયાન નાના વેપારીઓ અને ફેરીયાઓ પણ કમાણી કરતા હોય છે, તો તેમને પણ તહેવારોમાં વધારે ધંધો કરવાની તક મળે. તેમણે પોલીસને કહ્યું છે કે થોડી વધારે જહેમત ઉઠાવી તેઓ તમામ નાગરિકો સુરક્ષિત રીતે આ તહેવારની મજા માણે તેવી વ્યવસ્થા રાખે. આ સાથે તેમણે આયોજકોને પણ કહ્યું કે આસપાસના રહેવાસીઓને હેરાનગતિ ન થાય તે રીતે આયોજન કરવામાં આવે. ખાસ કરીને જો નજીકમાં હૉસ્પિટલ હોય તો વિશેષ ધ્યાન આપવામાં આવે. તેમણે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ પોલીસ અને તંત્રને સહયોગ કરે અને તમામ નિયમોનું પાલન કરી જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરે.
સંઘવીના આ સમાચાર નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓ માટે આનંદ લઈને આવ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સરેરાશ રાત્રે 2થી 3 વાગ્યા સુધી પણ ગરબા રમાતા હોય છે. જોકે વરસાદ વિલન ન બને તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે.