‘મુખ્યમંત્રી ક્યાંય વિદેશ જવાના નથી,અફવાની તપાસ શરૂ’ -ગૃહમંત્રી હર્ષ સંઘવી લાલઘૂમ
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના પુત્રની સારવાર માટે રાજા પર વિદેશ જઈ રહ્યા હોવાની વાત બે દિવસથી સોશિયલ સાઇટ પર જંગલની આગની માફક વહેતી થઈ છે. તદ્દન પાયા વિહોણી આ વાતને લઈને સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી લાલઘૂમ થઈ ગયા છે. તેઓએ એક સાર્વજનિક કાર્યક્રમમાં માધ્યમો સાથે વાત કરતાં કહ્યું કે,આવી અફવાઓ કોણ ફેલાવે છે ? મુખ્યમંત્રી ક્યાંય -કશે વિદેશ જવાના નથી, આ હાથ-માથા વગરની કોરી અફવા જ છે’ તેમણે ચેતવણીના સૂર ઉચ્ચારતા કહ્યું કે, અમે આ વાત અંગે તપાસ શરૂ કરી દીધી છે અને નોટિસ પણ ફટકારવામાં આવશે.
અફવાને આંખ કે પાંખ હોય ? જાણો, શી હતી મૂળ વાત ?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)આગામી દિવસોમાં બીમાર પુત્રની સારવાર માટે અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા છે. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમઓ પાસે એક માસની રજા માંગી છે. જો કે આવા સમયે સીએમ અમેરિકાના પ્રવાસે જાય તો તેમનો ચાર્જ કોને સોંપવો તે અંગે મથામણ ચાલી રહી હોવાની માહિતી સાંપડી છે. તેમજ તેમનો આ પ્રવાસનો સમયગાળો ઓછો કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ મુદ્દે ચર્ચા થઇ શકે છે તેવી પણ સંભાવના છે.
આ પણ વાંચો : સિંગાપોર -ગુજરાત વચ્ચે એરલાઇન્સની વધુ સેવાઓ વિકસાવવા CMને ચેઓંગ ફૂંગની રજૂઆત
સચિવાલયમાં પણ ચર્ચાઓ
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે તો ઇન્ચાર્જ સીએમ કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અથવા અન્યને કોઇ મંત્રીને આ ચાર્જ સોપવામાં આવી શકે છે. આ અંગે સચિવાલયમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે.
પુત્ર અનુજ પટેલની તબિયત ખરાબ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત ખરાબ છે. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા મુંબઇમાં સારવાર કરવામાં આવી હતી. જોકે, અનુજ પટેલની સ્થિતિમાં કોઇ સુધારો ના થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઇને વધુ સારવાર કરાવવા માંગે છે.