ખેલૈયા આનંદો, સરકારે કરી આ મોટી જાહેરાત…

અમદાવાદઃ આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે. આ દરમિયાન રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી જાહેરાત કરી હતી.
ઉપરાંત કોમર્શિયલ ગરબા આયોજકોને ચીમકી આપી હતી કે, આ માટે બધી જ વ્યવસ્થા પૂર્ણ કરવાની રહેશે અને કોઈપણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારની ઘટના કે ગીતો ચલાવી લેવામાં નહીં આવે.
હજારો પરિવારની નવરાત્રિ જ દિવાળી બનશે
તેમણે જણાવ્યું કે, લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે. સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં, જિલ્લાઓમાં રાત-દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની-મોટી વસ્તુઓ બનાવતા હોય છે કે આ પછી ખાણી-પીણીના સ્ટોલ ચલાવતા હોય છે.
આ હજારો-લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે પણ ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર, ગરબા રમવા આવતી મારી બહેન, ભાઈઓ અને પરિવારજનોની જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે.
ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ગીતો ચલાવી લેવામાં નહીં આવે
આ ઉપરાંત ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, નવરાત્રિના આ નવ દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં. આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે. આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
વગર વિચારે 112 પર એકવાર માત્ર જાણકારી આપો
આ ઉપરાંત તેમણએ કહ્યું, મારી બધી જ બહેન-દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ પણ જગ્યા પર નાની એવી પણ તકલીફ તમને નજરે પડે, તમે એક્ટિવામાં ગયા છો અને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયું અને હવે ઘરે કઈ રીતે પહોંચશો.
તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે. કોઈ પણ તકલીફ પડે, તમને માત્ર એટલી જ વિનંતી છે કે વગર વિચારે 112 પર એકવાર માત્ર જાણકારી આપી દો. જેથી અમે ઝડપથી આપની મદદમાં ત્યાં પહોંચી શકીએ.