40 વર્ષીય હર્ષ સંઘવીને નાયબ મુખ્ય પ્રધાન-ગૃહ પ્રધાનની બેવડી જવાબદારી

અમદાવાદ: ગુજરાતના નવનિયુક્ત નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને રાજ્યના સૌથી અગત્યના ગણાતા ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પ્રધાનમંડળના પુનર્ગઠન બાદ સંઘવીને આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ હતી, જેના કારણે હવે તેઓ રાજ્યના કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ પર ફૂલ ફોર્મમાં કામ કરશે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને ગૃહ વિભાગ ઉપરાંત પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, લઘુ ઉદ્યોગ વિભાગની ફાળવણી કરવામાં આવી હતી.
હર્ષ સંઘવી સૌથી નાની વયના નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા છે. તેમના માટે બીજી રસપ્રદ બાબત એ છે કે તેમને ઘણા વર્ષો બાદ ગૃહ પ્રધાન તરીકેની જવાબદારી મળી છે. નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે ગૃહ વિભાગ તેમની પાસે જ રાખ્યો હતો આ પ્રણાલી આનંદીબેન અને વિજય રૂપાણીના સમયમાં પણ યથાવત રહી હતી. તેમના કાર્યકાળમાં મોટે ભાગે ગૃહ રાજ્ય પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ હરેન પંડ્યા, અમિત શાહ, પ્રદિપ સિંહ જાડેજા સહિતના નેતાઓએ આ જવાબદારી સંભાળી ચુક્યા છે.
આ પણ વાંચો : 40 વર્ષના હર્ષ સંઘવીને પ્રમોશન કેમ મળ્યું, જાણો હકીકત?
છબિલ દાસ મહેતા ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪થી ૧૪ માર્ચ, ૧૯૯૫ સુધી મુખ્યપ્રધાન રહ્યા તે દરમિયાન તેમની કેબિનેટમાં જલાલપોરના ધારાસભ્ય અને પીઢ કોંગ્રેસી નેતા સી.ડી.પટેલ ગૃહપ્રધાન બન્યા હતા. તે પછી છેક 17 ઓક્ટેબર 2025માં હર્ષ સંઘવીને ગૃહ પ્રધાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
હર્ષ સંઘવીને આ પદ પર નિયુક્તિ ભાજપના યુવા નેતૃત્વ પરના વિશ્વાસને દર્શાવે છે. ગૃહ વિભાગની જવાબદારી મળતા હવે હર્ષ સંઘવી પોલીસ તંત્ર, કાયદો-વ્યવસ્થા, જેલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા મહત્ત્વના વિભાગો પર સીધી જ દેખરેખ રાખશે. યુવા અને ઊર્જાવાન નેતા તરીકે તેઓ રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ, સાયબર ક્રાઇમ સામે પગલાં અને પોલીસ આધુનિકીકરણના ક્ષેત્રે તેમની કામગીરીને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો : ‘નરેન્દ્ર-ભૂપેન્દ્ર’ની જોડીમાં ‘સંઘવી’ની એન્ટ્રીઃ ચાર વર્ષ પછી ફરી CM-DyCMની જોડી સુકાન સંભાળશે, જાણો સંયોગ
હર્ષ સંઘવી ગૃહ રાજ્ય પ્રધાન તરીકે અગાઉ પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી ચૂક્યા છે, ત્યારે હવે નાયબ મુખ્ય પ્રધાન તરીકેની તેમની ભૂમિકામાં તેઓ સરકારની નીતિઓને વધુ અસરકારક રીતે જમીની સ્તર સુધી પહોંચાડશે.