Top Newsઆપણું ગુજરાત

SIRમાં સમસ્યાઓ, ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનરે રાજકીય પક્ષોને શું કરી વિનંતી?

અમદાવાદઃ રાજ્યમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક બાદ મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું કે, 82.85 ટકાથી વઘુ ગણતરી ફોર્મ્સનું ડિજિટલાઇઝેશન થઇ ગયું છે. બૂથ લેવલ ઓફિસરની મદદ માટે 30 હજારથી વધુ સ્વંયસેવકની નિયુક્તિ કરવામાં આવી છે.

ખાસ સંક્ષિપ્ત સુધારણા અભિયાન સતત ચાલુ રહેશે

મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને આ કારણે તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં આવે નહીં તો તેઓ ફોર્મ નંબર-6 ભરીને 15 જાન્યુઆરી 2026 સુધીમાં મતદાર નોંધણી અધિકારીને આપવાનું રહેશે. મતદાર નોંધણી અધિકારી દ્વારા ફોર્મ મંજૂર થયા બાદ તેમના નામનો સમાવેશ આખરી મતદાર યાદીમાં કરવામાં આવશે. 15 જાન્યુઆરી 2026 પછી પણ કોઈપણ સમયે ફોર્મ 6/8 ભરી શકાશે. આવા મતદારોના નામનો સમાવેશ સરની કામગીરી બાદ પણ સતત સુધારણા અને ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન થઈ શકશે.

50 હજારથી વધુ બીએલઓ અને 30 હજારથી વધુ સ્વયંસેવકો કરી રહ્યા છે કામગીરી

મતદાર યાદી સુધારણામાં ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર ચાલવાની છે અને 16 ડિસેમ્બરના ડ્રાફ્‌ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. હારિત શુક્લાએ જણાવ્યું કે 50 હજાથી વધુ બીએલઓ મતદાર યાદી સુધારણામાં મદદ કરી રહ્યા છે.મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં વસતીને ધ્યાનમાં રાખી રાજ્યમાં 30 હજારથી વધુ સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી છે. આગામી તબક્કામાં બીએલઓની ભૂમિકા મહત્ત્વની રહેશે. નવેમ્બરમાં 6 દિવસ કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનર સાથેની બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ SIRની કામગીરી દરમિયાન સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો…રાજયમાં કયારે જાહેર થશે ડ્રાફ્ટ મતદાર યાદી? ફોર્મ ન જમા કરાવ્યું હોય તો શું કરશો?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button