પાટીદાર આંદોલન વખતના પેન્ડિંગ કેસમાં હાર્દિક પટેલને રાહત નહિ, જાણો કોર્ટે શું કહ્યું
અમદાવાદ: વિરમગામથી ધારાસભ્ય હાર્દિક પટેલે વર્ષ 2018માં પાટીદાર આંદોલન દરમિયાન ઉપવાસ પર બેઠા હતા તે સમયે સ્થાનિક પોલીસ સાથે ગેરવર્તણુંક કરી હતી. આ કેસમાં ગ્રામ્ય કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી.
અમદાવાદમાં ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે કેસ નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. હાર્દિક પટેલે કેસમાંથી મુક્ત થવાની અરજી કોર્ટમાં કરી હતી. જેમાં ગ્રામ્ય કોર્ટે કેસ મુક્તિ મામલે મૌખિક હુકમ કર્યો છે, એટલે કે કોર્ટે હાર્દિક પટેલની મુક્તિની માગ સ્વીકારી નથી. જો કે કોર્ટે તેમને ઉપલી કોર્ટમાં અરજી કરવાનો વિકલ્પ સૂચવ્યો હતો. આથી હવે હાર્દિક પટેલ આગામી દિવસોમાં સેશન્સ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી શકે છે.
વર્ષ 2018માં નિકોલમાં આ સમગ્ર કેસ નોંધાયો હતો. પાટીદાર આંદોલનમાં જોડાયેલા નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં તમામ દલીલો બાદ આજે અરજી પર ચુકાદા આપ્યો છે.