આપણું ગુજરાત

વડોદરાની હરણી તળાવ દુર્ઘટના: ૧૮ સામે ફરિયાદ, ત્રણની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ કોન્ટ્રાક્ટરના મેનેજર સહિત ૧૮ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું જણાવ્યું છે.પોલીસે હરણી લેક ઝોનના મેનેજર શાંતિલાલ સોલંકી અને બે બોટ ઓપરેટર નયન ગોહિલ તથા અંકિત ની એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હોવાનું ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું.

આ અંગે વડોદરા કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેરે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતુ કે હરણી લેકઝોન ખાતે ૨૦૧૭થી કામગીરીનો વર્કઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો હતો. જેમાં જુદી-જુદી રાઇડ્સ, ખાણી-પીણી, બેન્ક્વેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધા આપવામાં આવેલ છે. જેની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કોટિયા પ્રોજેક્ટની છે.

ગુરુવારે આશરે સાંજના સાડા ચારેક વાગ્યે હરણી લેકઝોન ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા. જેમાંથી અંદાજે ૨૫ જેટલા વિદ્યાર્થીઓ અને ચાર જેટલા શિક્ષકો તળાવમાં નૌકાવિહાર કરતા હતા. જેમાં અમારા જાણવા મુજબ બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડી બોટિંગ કરાવતા હતા. તેમાંથી કેટલાંક બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડ્યા હતા. બાળકો અને શિક્ષકો બોટિંગ કરતાં હતાં તે દરમિયાન કોઇક કારણસર બોટ હાલક ડોલક થતાં આગળના ભાગેથી પાણી બોટમાં ભરાવવા લાગ્યું હતું. બાદમાં પાણીના કારણે વધુ હાલક ડોલક થતા સંતુલન ગુમાવી બોટ તળાવમાં પલટી ખાઇ ગઇ હતી. જેથી બોટમાં બેઠેલા તમામ લોકોની તળાવમાં ડૂબવાની ઘટના સામે આવી હતી. હાલમાં દુર્ઘટનાને લઇ હરણી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવને લઇ ત્વરિત તપાસ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારે દસ દિવસમાં તમામ ઘટનાનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિતની નવ ટીમો બનાવી આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટની આગેવાનીમાં આ સમગ્ર કેસની તપાસ કરાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button