હરણી બોટ દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં કોટીયા પ્રોજેકટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહને પોલીસે હાલોલ વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. આરોપી વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો ત્યારે જ તે ઝડપાઇ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર પરેશ શાહ કોટીયા કંપનીનો પડદાં પાછળનો મુખ્ય વહીવટદાર છે. જો કે વહીવટદાર હોવા છતાં રેકોર્ડ પર તેનું ક્યાંય નામ નથી. તે ભાજપના આગેવાનો સાથે સાંઠગાંઠ ધરાવતો હોવાનું કહેવાય છે. પરેશના ઇશારે તળાવની જગ્યા પર પુરાણ કરી રેસ્ટોરાં પણ ઊભી કરાઇ છે. તળાવનો વહીવટ કરતા કર્મચારીઓના મોબાઇલની ચેટમાં આ ખુલાસો થયો છે.
પરેશ શાહને રોજેરોજનો હિસાબ અપાતો હોવાનો પણ ખુલાસો થયો છે. જો કે ડોલ્ફીન નામની નિલેશ જૈનની કંપનીને બોટ માટેનો પેટા કોન્ટ્રાક્ટ અપાયો હતો. પરેશ શાહ અને નિલેશ જૈનને રોજ સ્ટાફ આવકનો હિસાબ આપતો હતો. ટિકિટ વેચાણની માહિતી પણ પરેશ શાહને અપાતી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરાના હરણી તળાવની હોનારત મામલે પોલીસે આરોપી બિનીત કોટિયાને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે ગતરોજ આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરી હતી.
કોર્ટમાં પોલીસે ૧૦ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે ૭ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. આ જ કેસમાં ગોપાલ શાહ ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવી ગયો છે. કંપનીનો મુખ્ય સંચાલક અને કોર્પોરેશનનો પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલ શાહને પોલીસે છત્તીસગઢના રાયપુરથી ક્રાઈમ બ્રાંચે દબોચ્યો હતો.