હરણી બોટ દુર્ઘટના: શાળા સંચાલકે આપી આ પ્રતિક્રિયા, કોર્પોરેશને લેક ઝોનને સીલ કરી દીધું
વડોદરા: હરણી લેકમાં પિકનિકનું આયોજન કરનાર વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં દુર્ઘટના પાછળ લેક ઝોનના બોટિંગ સેવાના સંચાલકો જવાબદાર હોવાનું નિવેદન આપ્યું છે.
ઋષિ વાડિયાએ જણાવ્યું હતું કે લેક ઝોનના સંચાલકોએ અમને પેકેજ ઓફર કર્યું હતું જેમાં બાળકોને શાળાએથી લઇ જઇને લેક ઝોનમાં બોટિંગ કરાવીને શાળાએ પરત મુકી જવા સુધીની સુવિધાઓ તેમણે ઓફર કરી હતી. જ્યારે ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા તે સમયે શિક્ષકોએ વિરોધ પણ કર્યો હતો જો કે બોટ સંચાલકોએ ‘આ અમારું રોજનું કામ છે’ તેમ કહીને શિક્ષકોની વાત સાંભળી ન હતી. બોટ જ્યારે ઉંધી વળી ત્યારે પણ લેક ઝોનના કર્મચારીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. મેં અને અન્ય શિક્ષકોએ બાળકોને ઉંચકીને પાણીની બહાર કાઢી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જે બાળકો બચી ગયા હતા તેમને ઘરે પહોંચાડવા માટે પણ લેક ઝોનના સંચાલકોએ બસની વ્યવસ્થા કરી નહોતી.
જો કે આ નિવેદનમાં સ્પષ્ટપણે એક Blame Game દેખાઈ આવે છે, કેમકે આ ટ્રીપમાં કુલ 80થી વધુ વિદ્યાર્થીઓ હતા, અને 12 શિક્ષકો હતા, તેમ છતાં કોઇ પણ શિક્ષકે એ ચેક કરવાની તસ્દી ન લીધી કે આ તમામ બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા છે કે નહિ. મીડિયા અહેવાલો અને પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે કે બોટમાં બેસેલા તમામ બાળકો પાસે લાઇફ જેકેટ નહોતા, અમુક પાસે જ હતા, તો શું લાઇફ જેકેટ એ ધ્યાન આપવા લાયક મુદ્દો નહોતો? શું શિક્ષકોએ સેફ્ટીના સાધનો, બોટની હાલત વગેરેની ચકાસણી નહોતી કરવી જોઇતી?
શાળા-કોલેજોમાં પ્રવાસના આયોજનો માટે શિક્ષણ વિભાગ દ્વારા ચોક્કસ ગાઇડલાઇન્સ હોય છે જે અંતર્ગત જ આયોજન કરવાનું રહે છે. સરકારે વર્ષ 2019થી જ એક પરિપત્ર બહાર પાડી એક વ્યવસ્થિત માર્ગદર્શિકા જાહેર કરી છે, જેના મોટાભાગના નિયમોનો શાળાએ ઉલાળિયો કર્યો છે, અને હવે દુર્ઘટના બાદ લેક ઝોનને ખોખોની રમત રમી રહ્યા છે.