હર હર શંભુઃ જૂનાગઢમાં ગરવા ગિરનારની પરિક્રમા આ તારીખથી શરૂ થશે

જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં આગામી 23મી નવેમ્બરથી લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યુ છે. પરિક્રમાની તૈયારીના ભાગ રૂપે રૂટ પર જિલ્લા પોલીસ વડા સહિતનાં અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં ગરવા ગિરનારની પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જંગલ વિસ્તારનાં 36 કિલોમીટરના રૂટ પર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ, એલસીબી એસઓજી સહિતની ટીમ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. કારતક સુદ તેરસના દિવસે આગળ વધીને ગિરનારના ઉત્તર કિનારે પડાવ નાખીને ભાવિકો રાત્રી વિશ્રામ કરે છે. ચૌદશના દિવસે માળવેલાથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ બાજુ બોરદેવીમાં પડાવ નાખવાનો હોય છે. અહીં બોરડી નીચે માતાજી બિરાજમાન છે, જ્યાં બારેમાસ પાણી રહે છે. આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાને કારણે, ભાવિકો અહીં પ્રકૃતિનો મન ભરીને આનંદ માણે છે. પૂનમના દિવસે સવારે બોરદેવીથી નીકળીને ભાવિકો ભવનાથ તળેટીમાં પરત ફરે છે.