ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનઃ સુરતમાં બેઠક યોજી હર્ષ સંઘવીએ આપ્યા સૂચનો
સુરતઃ દેશના નાગરિકોને તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન વર્ષ 2022થી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ ગુજરાતભરના શહેર-જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવાવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. દરમિયાન સમગ્ર સુરત શહેર-જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આઈસીસી. ખાતે આયોજીત બેઠકમાં સુરત શહેર ખાતે આગામી 11મી ઓગષ્ટના રોજ ભવ્ય હર ઘર તિરંગા અભિયાન હેઠળ સાંજના સમયે શહેરના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલો મીટર સુધી ભવ્ય તિરંગા પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય તે માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જરૂરી સુચનો કર્યા છે.
જેમાં સમગ્ર સુરત શહેર-જિલ્લામાં આગામી 10મી થી 13મી ઓગષ્ટ-2024 દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થવા જઈ રહી છે. લોકો પોતાના ઘર, સંસ્થા, દુકાનો પર કે અન્ય ઈમારતો પર તિરંગો લહેરાવી આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સામેલ થાય તેવી સરકાર દ્વારા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં ઠેર ઠેર આ પર્વ માનભેર ઉજવવાની પ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી છે.