Gurupurnima નિમિત્તે સાળંગપુરના હનુમાનજીએ પહેર્યા આટલા મોંઘા વાઘા

ભાવનગરઃ ગુરુપૂર્ણિમા કે વ્યાસપૂર્ણિમાનો (Gurupurnima) પાવન અવસર આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે કષ્ટભંજનદેવ તરીકે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર એવા સાળંગપુરના હનુમાનદાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
હનુમાન દાદાને આજે સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવામાં આવ્યા છે. આ સાથે જ દાદાના સિંહાસને ગુલાબ અને ગલગોટાના ફુલનો પણ શણગાર કરાયો છે. આજે દાદાનું વિશેષ પૂજન કરાયું હતું. તેમજ સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને 100 કિલો ગુલાબ અને ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે જ દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પણ પહેરાવ્યા છે. દાદાના સિંહાસને શણગાર કરવા માટે ગુલાબ અને ગલગોટાના ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને હરિભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. (Kashtabhanjan)



આ પણ વાંચો : ગુરૂપૂર્ણિમાની બગદાણા ખાતે ઉજવણી : મુખ્યમંત્રીએ દર્શન કરી ગુરુઆશ્રમની સાઇટનું કર્યું લોન્ચિંગ
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમનાજી દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ 2019માં આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું હતું. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.