ભુજ જેલમાં અપહરણ-દુષ્કર્મના આરોપીએ બેરેકની અંદર ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું…
ભુજ: ગત મહિને ભુજ તાલુકાના માનકૂવા ગામના પોલીસ મથકના બાથરૂમને અંદરથી બંધ કરી, બાથ શાવર પર ટી-શર્ટ વડે બનાવાયેલા ફંદા પર લટકી જઈ મુંદરાના ટપ્પર ગામના ૩૫ વર્ષના યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ હજુ લોકોના માનસપટ પર તાજો જ છે તેવામાં એક કિશોરીનું અપહરણ કરીને તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં મોરબી સબ જેલથી ભુજની પાલારા ખાસ જેલમાં મોકલાયેલાં ૨૨ વર્ષના આરોપીએ ભેદી સંજોગોમાં બેરેકની અંદર ફાંસો લગાવી આપઘાત કરી લેતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે.
આ પણ વાંચો : કંડલા બંદર દ્વારા ૧૩ નંબરની જેટીના વિકાસ અને સંચાલન માટે અદાણી પોર્ટ સાથે કરાર કરાયા
મરણ જનાર મોહિત ભરત સુરેલા માળિયા મિંયાણાના વીર વિદરકા ગામનો રહેવાસી હતો. ગત છઠ્ઠી જૂન,૨૦૨૪ના રોજ તેની સામે પોક્સો અને દુષ્કર્મની કલમો તળે ટંકારા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ટ્રક ડ્રાઈવીંગ કરતાં મોહિતની પોલીસે ધરપકડ કરીને મોરબી સબ જેલમાં ધકેલી દીધો હતો. ચોથી ઑગસ્ટના રોજ જેલ બદલી અંતર્ગત તેને ભુજની ભાગોળે આવેલી પાલારા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
જેલની ચાર દિવાલોમાં કેદ એવા મોહિતે ગત સોમવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં સર્કલ-૧ની બેરેક નંબર ૯ બહાર લોખંડની જાળીમાં ઓઢવાની શાલનો ફાંસો બનાવી, પ્લાસ્ટિકની ડોલ ઉપર ચઢીને ડોલને લાત મારીને નીચે પાડી દઈ લટકી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મોહિતે અગાઉ પણ ઘરે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે જેલ અધીક્ષક ડી.એમ. ગોહિલે ભુજ બી ડિવિઝન પોલીસને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : કચ્છમાં ભેદી બીમારીનો મરણાંક 15 સુધી પહોંચ્યો: ભુજમાં વધુ એક મહિલાનું ભેદી મોત…
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જેલ અથવા પોલીસ કસ્ટડીમાં થતાં આરોપીના મૃત્યુને કસ્ટોડિયલ ડેથ ગણાય છે. સરકારી નિયમ મુજબ આવા કિસ્સામાં પ્રાંત અધિકારીની હાજરીમાં મૃતકનું વીડિયોગ્રાફી સાથે પેનલ પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે. બનાવની તપાસ નાયબ પોલીસ અધિક્ષક સ્તરના અધિકારીએ કરવી પડે છે તેમજ મેજિસ્ટેરિયલ ઈન્ક્વાયરી પણ કરાવવી પડે છે. એટલું જ નહિ, બંદિવાનના મૃત્યુ અંગેના કારણો અને તારણો સાથે દિલ્હીમાં માનવ અધિકાર પંચની કચેરીને રીપોર્ટ પણ મોકલવો પડે તેવી જોગવાઈઓ અમલમાં છે.