હમાસના સમર્થક રાજકોટમાં? તંત્ર દોડતું થઈ ગયું…
રાજકોટ: વૈશ્વિક સ્તરે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે તેની ભારત સહિત અન્ય દેશો પર અસર પડી છે. ભારતમાં ક્યાંક ક્યાંક હમાસનું સમર્થન કરવામાં આવે છે, જ્યારે ક્યાંક ઈઝરાયલનું સમર્થન કરવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતના રાજકોટમાં હમાસના સમર્થનમાં પોસ્ટર લાગ્યા હતા.
જંગલેશ્વર નજીક નીલકંઠ સિનેમા વિસ્તારમાં બોયકોટ ઈઝરાયલ લખાયેલા પોસ્ટર લાગ્યા હતા, અમુક પોસ્ટરો રસ્તા પર ચોંટાડી દીધા હોવાનું જોવા મળ્યું હતું. આ હિન કૃત્ય દ્વારા શહેર અને સમાજની શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસ તંત્ર અને અન્ય એજન્સી દોડતી થઈ ગઈ છે.
તપાસમાં બહાર આવ્યું છે કે 4 જેટલા વિધર્મી શખ્સોએ આ પોસ્ટર લગાવ્યા હતા. જાગૃત નાગરિકો દ્વારા જ્યારે ઘટના ઉજાગર થઈ કે તરત ભક્તિનગર પોલીસ અને SOG તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી જંગલેશ્વરના 4 જેટલા શખ્સોએ આ પોસ્ટર લગાડ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ચારેય શખ્સોની અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.
રાજકોટમાં હમણાં હમણાં આ બીજી મોટી ઘટના સામે આવી છે આ અગાઉ સોની બજારમાંથી બંગાળી કારીગરોની આતંકવાદી પ્રવૃત્તિ કરનારા સાથેની સાંઠગાંઠના પુરાવા મળતા તેમની ધરપકડ કરી હતી.
થોડાં વર્ષો પહેલાં નહેરુનગર વિસ્તારમાંથી પણ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.
લોકોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે.