આપણું ગુજરાત

હળવદમાં ઘરકંકાસે ચાર બાળકને નોધારા કર્યા

મોરબીઃ જિલ્લામાં હળવદના ભવાનીનગરમાં પતિ દ્વારા ખૂની ખેલ ખેલાયો હતો. પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી બહેનના ઘરે જ ખાટલામાં સૂતેલી પત્નીને ગળે છરીના આડેઘડ ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. ઘટના બાદ પોતે સાથે લાવેલી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં 4 સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગરમાં સાળીના ઘરે મહેમાન બનીને આવેલા યુનિસ સંધી (ઉ.વ.52) મોરબી વીસીપરામાં રહી કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા. પોતાની પત્ની મદીના (ઉ.વ.35) ના ચારિત્ર્ય ઉપર શંકા હોવાથી બંને વચ્ચે બોલાચાલી થતી હતી. દરમિયાન મદીના હળવદ ભવાનીનગરમાં રહેતી પોતાની બહેનને મળવા આવતાં યુનિસ તેની પાછળ ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યાં ફરી બંને વચ્ચે ઝઘડો થતાં પરિવારજનોએ મામલો થાળે પાડ્યો હતો.

Read This….

બાદમાં મદીના ફળીયામાં સુતી હતી ત્યારે મંગળવારે વહેલી સવારે 6:00 વાગ્યે યુનિસે મદીનાના ગળા ઉપર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકતા ઘરના લોકો દોડી આવ્યા હતા. હત્યા કરી ત્યાંથી ભાગી છૂટેલા યુનિસે થોડે દૂર જઇ ઝેરી દવા પી લેતાં તેનું પણ મોત થયું હતું. પત્નીની હત્યા બાદ આપઘાત કરવાનું યુનિસ પહેલેથી જ વિચારીને આવ્યો હતો આથી યુનિસ મોરબીથી સાથે લાવેલી થેલીમાં છરી અને ઝેરી દવા પહેલાંથી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના અંગેની સાચી હકીકત જાણવા તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનામાં ચાર સંતાને એકસાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button