કચ્છમાં વંટોળિયા સાથે કરાંનો વરસાદ: મકાનોના છાપરાં હવામાં ઉડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ગુજરાતમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે બે દિવસ પહેલા શરૂ થયેલાં માવઠાએ આજે રવિવરે કચ્છમાં કહેર વરસાવ્યો હતો. અનેક ઠેકાણે વંટોળિયા સાથે આકાશમાંથી કરાં વરસ્યાં હતાં. તોફાની પવન ફુંકાતા મકાનો નાં છાપરા ઉડયા હતાં તેમજ રસ્તા પર લગાવેલા હોર્ડિંગસ્ પણ પત્તા ની જેમ હવામાં ફેંકાયા હતાં.
સૌરાષ્ટ્ર પર સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનની અસર તળે આજે સતત બીજા દિવસે રણપ્રદેશ કચ્છના કેટલાક વિસ્તારોમાં ચૈત્ર માસમાં અષાઢી માહોલ બરકરાર રહેવા પામ્યો હતો અને જિલ્લા મથક ભુજ,અંજાર, ગાંધીધામ અને રાપર, નખત્રાણા,સામખિયાળી તેમજ લખપત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે પાવરપેક્ડ માવઠું ખાબકતાં સર્વત્ર પાણી વહી નીકળ્યાં હતાં.
ભારે પવનના લીધે ધૂળની ડમરીઓ ઊડવા લાગતાં વાહનચાલકોએ હાલાકી વેઠી હતી. ભુજમાં બપોરના બે વાગ્યા બાદ વાગ્યે કરા જેવું કમોસમી ઝાપટું વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને વર્ષાઋતુ જેવું વાતાવરણ સર્જાયું હતું.વીજળીના ચમકારા અને મેઘગર્જનાને લઇને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકસભાની ચૂંટણી અંતર્ગત રાજકીય પક્ષો દ્વારા ઉભા કરવામાં આવેલા વિશાળ તંબુઓમાં પાણી ભરાઈ જતાં આયોજકોમાં દોડધામ થઇ પડી હતી.
ભુજ શહેર ઉપરાંત લાખોંદ,ધાણેટી, કાળી તલાવડી, ત્રાયા, નાડાપા, મમુઆરા, લોડાઇ, માધાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પલટાયેલા હવામાનની અસર હેઠળ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે કમોસમી માવઠા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
અંજાર અને ગાંધીધામમાં અડધાથી એક ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હતો.છેવાડાના વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકાના અનેક ગામોમાં ભારે પવનના કારણે મિનિ વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને સતત ઉડી રહેલી ધૂળની ડમરીઓથી ખેતરોમાં ઉભા પાકને મોટી હાનિ પહોંચવાની સંભાવના દેખાઈ રહી છે તેમજ ભચાઉ તાલુકાના ખારોઇ વિસ્તારમાં વંટોળીયાથી દાડમ સહિતના પાકમાં મોટું નુકસાન થવાનો ભય ઉભો થયો છે.