5 ઇંચથી વધુ વરસાદથી દ્વારકા અને કલ્યાણપુર જળબંબાકાર, જાણો ક્યાં કેટલા પડ્યો વરસાદ…

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા સાંજે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ રાજ્યમાં 83 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
દ્વારકામાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ પડ્યો હતો. કલ્યાણપુરમાં 5.08 ઇંચ, માંગરોળ(જૂનાગઢ)માં 3.74 ઇંચ, ઉમરગાવમાં 2.64 ઇંચ,માંડવી (કચ્છ)માં 1.97 ઇંચ, માળીયા હાટીનામાં 1.65 ઇંચ, જામજોધપુરમાં 1.61 ઇંચ, નખત્રાણામાં 1.26 ઇંચ, બગસરામાં 1.14 ઇંચ વરસાદ વરસ્યો હતો. 73 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 72.68 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 7038 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.48 ટકા, પૂર્વ મધ્યમાં 68.48 ટકા, સૌરાષ્ટ્રમાં 66.01 ટકા, દક્ષિણ ગુજરાતમાં 72.68 ટકા વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 77.34 ટકા ભરાયેલો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
હવામાન વિભાગ દ્વારા ૨૦ ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. ૨૧ ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
બેઠકમાં એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ ૧૨ ટીમ અને એસડીઆરએફની ૨૦ ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે.
આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. વધુમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક એસડીઆરએફ ટીમ ફાળવવા રાહત નિયામકએ સૂચના આપી હતી.
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૬૧ જળાશયો હાઇએલર્ટ, ૨૭ જળાશયો એલર્ટ તથા ૨૧ જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં રાહત નિયામક દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ, ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું.