Gujrat Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી થશે ચોમાસાની શરૂઆત: હવામાન વિભાગે કરી આગાહી

ગાંધીનગર : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાનું છે. જ્યારે આગામી બે દિવસમાં 20થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગઇકાલે રાજ્યમાં સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેકસીયસ નોંધાયું હતું. કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે હવામાન વિભાગ દ્વારા વિન્ડ એલર્ટ આપવામા આવ્યું છે. ગુજરાતમાં હાલ કોઈ વરસાદ પડે તેવી સંભાવના નહિવત છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હાલ દક્ષિણ-પશ્ચિમ પવનોની અસર વર્તાઇ રહી છે. જેના પગલે હાલ અમદાવાદમાં ગરમીનો પારો ઘટતા લોકોને ગરમીમથી રાહત મળી છે. જો કે આગામી અઠવાડિયામાં આ પારો 38 થી 40 ની આસપાસ રહે તેવી શક્યતાઓ છે. જ્યારે જૂનના બીજા અઠવાડિયામાં રાજસ્થાન તરફથી આવતા ઉત્તર-પશ્ચિમના સૂકા પવનોના લીધે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે.
15 જુનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ :
કેરળમાં બેસી ગયેલું ચોમાસું આગળ વધી રહ્યું છે.આથી આગામી 7 જૂન આસપાસ દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રી મોન્સુન એક્ટિવ થતાં 10 જૂન આસપાસ વરસાદ શરૂ થાય તેવી સંભાવનાઓ છે. જો કે 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. 8 જૂન આસપાસ અરબી સમુદ્રમાં હળવું દબાણ રચાશે. ગુજરાતમાં ત્રીજા અને ચોથા અઠવાડિયા દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડશે.