આપણું ગુજરાત

Gujrat Monsoon : રાજ્યમાં નૈઋત્ય ચોમાસાએ દીધી દસ્તક; આગામી બે દિવસ તમામ જિલ્લામાં વરસાદની આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસુ તેના નિશ્ચિત સમય કરતાં વહેલું આવી પહોંચ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં આગામી બે દિવસમાં તમામ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવે આકરી ગરમીમાંથી ગુજરાતીઓને રાહત મળવાની છે, કારણ કે નૈઋત્યનું ચોમાસું મંગળવારે તેના નિર્ધારિત સામે કરતાં ચાર દિવસ વહેલું ગુજરાતમાં આવી પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. અમદાવાદ IMDના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, ચોમાસું સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચે છે. તેમણે કહ્યું કે આગામી બે દિવસમાં તમામ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું હતું કે મંગળવારે સવારે 6:00 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં ઘણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 1 થી 40 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. SEOCએ જણાવ્યું કે આ દરમિયાન મહીસાગર જિલ્લાના સંતરામપુર અને પંચમહાલના મોરવાહડફમાં સૌથી વધુ અનુક્રમે 40 અને 27 મીમી વરસાદ નોંધાયો છે. IMD એ આ પહેલા પણ સૂચવ્યું હતું કે ભારતમાં જૂનમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે બુધવાર સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ભારતમાં આ વર્ષે સરેરાશથી વધુ ચોમાસાનો વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણમાં વલસાડ, દાદરા નગર હવેલી તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

જો કે હાલ ગુજરાતનાં અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જુનાગઢ સહિતના જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. જો કે દક્ષિણ ગુજરાતમાં લગભગ સમગ્રપણે વરસાદ પડી રહ્યો છે. વલસાડ, ડાંગ, નવસારી,ભરૂચ સહિતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button