ગુજરાત કોરુંકટઃ છાંટા આવીને જાય છે, પણ મેઘો મંડાતો નથી, દિલ્હીમાં વરસાદ થતાં લોકોની આશા બંધાઈ
અમદાવાદઃ વરસાદ વિનાનો એક એક દિવસ ખેડૂતો સહિત સામાન્ય જનતા માટે પણ અસહ્ય થઈ રહ્યો છે. રોજ વાદળો ઘેરાય છે, પરંતુ એક ઝાંપટું પણ આવતું નથી. આજે દિલ્હીમાં સારો વરસાદ પડતા ફરી લોકોને આશા બંધાઈ છે કે હવે ચોમાસું બેસશે. જોકે હવમાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના લોકોએ હજુ એકાદ અઠવાડિયાની રાહ જોવી પડશે.
ગુજરાતમાં આજે વરસાદે વિરામ લીધો હોય તેમ સવારે છથી આઠ વાગ્યા સુધીમાં ક્વાટમાં માત્ર 15 મીમી જ્યારે વાપીમાં બે મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આઠ થી 10ની વચ્ચે એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. ગઈકાલે ગુરૂવારે રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ હજુ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડ્યો છે. ગઈકાલે ગુરૂવારે પણ રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે શુક્રવારે મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારથી માત્ર બે તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. સવારે છ થી આઠમાં છોટાઉદેપુરના ક્વાંટમાં 15 મીમી જ્યારે વલસાડના વાપીમાં બે મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આઠ થી 10ની વચ્ચે એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
રાજ્યમાં ગઈકાલે ગુરૂવારે વલસાડના કપરાડામાં 33 મીમી, નડિયાદમાં 33 મીમી, ચોર્યાસીમાં 22 મીમી, ઉમરગાંવમાં 21 મીમી, કુકરમુંડામાં 15 મીમી, જલાલપોરમાં 14 મીમી, માતરમાં 11 મીમી, નાંદોદમાં 10 મીમી, વાપી, ઓલપાડ અને જોટાણામાં નવ-નવ મીમી, નિઝરમાં સાત મીમી, ધોળકા અને નેત્રંગમાં છ-છ મીમી, ચીખલી અને સુરતના માંડવીમાં પાંચ-પાચ મીમી વરસાદ નોંધાયો હતો. પારડી, નવસારી, ખેડા અને પલસાણામાં ચાર-ચાર મીમી, વાલિયા, વલસાડ, આમોદ, તિલકવાડા અને ઉચ્છલમાં ત્રણ-ત્રણ મીમી, ગણદેવી, સુરત શહેર, વસો, સોજીત્રા, હારીજમાં બે-બે મીમી તેમજ સુરતના માંગરોળ, મહુવા, મહેમદાવાદ, લીંબડી અને નસવાડીમાં એક-એક મીમી વરસાદ નોંધાયો હતો.