આખરે ગુજરાતના DGP વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન, 30 સપ્ટેમ્બર સુધી પદભાર સંભાળશે...

આખરે ગુજરાતના DGP વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન, 30 સપ્ટેમ્બર સુધી પદભાર સંભાળશે…

ગાંધીનગર: ગુજરાત રાજ્યના વર્તમાન પોલીસ વડા વિકાસ સહાય આજે 30 જૂનના રોજ વય નિવૃત્ત થવાના હતા. ત્યારે હવે તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ગુજરાત કેડરના ૧૯૮૯ બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાય ૩૦ જૂનના રોજ વય નિવૃત્ત થવાના હતા, ત્યારે વિકાસ સહાય 30 સપ્ટેમ્બર 2025 સુધી ડીજીપી (Director General Of Police) પદે કાર્યરત રહેશે.

૩૦ સપ્ટેમ્બર સુધી ડીજીપી પદની ફરજ બજાવશે
૩૦ જૂનના રોજ રાજ્યના વર્તમાન પોલીસ વડા વિકાસ સહાય વય નિવૃત્ત થવાના હતા. તેમની વિદાયની તૈયારીઓની વચ્ચે જ સરકારે તેમણે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. આથી પોલીસ વડા વિકાસ સહાય હવે આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ડીજીપી પદની ફરજ બજાવશે. તેમની નિવૃતિની ચર્ચાની વચ્ચે હવે ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવશે એને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી. અનેક પોલીસ અધિકારીના નામની આ પદ માટે ચર્ચા શરૂ થઈ હતી. જો કે હવે સરકારની આ નિમણૂકથી આવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

આઇપીએસ કેડરમાં ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસનો હોદ્દો રાજ્યનો સર્વોચ્ચ પોલીસ પદ ગણાય છે. વિકાસ સહાયે અગાઉ રક્ષાશક્તિ યુનિવર્સિટી, કરાઈ પોલીસ એકેડમી સહિત વિવિધ મહત્ત્વપૂર્ણ પદો પર ફરજ બજાવી છે. તેઓ રાજ્યના પૂર્વ પોલીસ વડા આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ ડીજીપી બન્યા હતા. તેમની સેવા દરમિયાન તેઓ નિર્વિવાદ રહ્યા છે, જોકે તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સીઆઇડી ક્રાઇમ તપાસ ચર્ચાનો વિષય બની હતી.

સેવાકાળમાં વધારો મેળવનારા ત્રીજા ડીજીપી
નોંધનીય છે કે, જો વિકાસ સહાયને એક્સટેન્શન મળતા હવે તેઓ ત્રીજા ડીજીપી બની ગયા છે કે જેમને આ પ્રકારે સેવાકાળમાં વધારો મળ્યો હોય. અગાઉ, આઇપીએસ શિવાનંદ ઝા કોરોના કાળ દરમિયાન લાંબા સમય સુધી ડીજીપી રહ્યા હતા અને તેમને પણ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેમણે કોરોના મહામારી દરમિયાન પોલીસને ખડેપગે રાખીને પ્રશંસનીય કામગીરી કરી હતી. તેમના બાદ આઇપીએસ આશિષ ભાટિયાને ડીજીપી બનાવવામાં આવ્યા હતા, અને તેમને પણ નવી ગાઈડલાઈન પ્રમાણે 2 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ એક્સટેન્શન મળ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button