કડી-વિસાવદરની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ‘તેવર’ બદલાયાઃ એકલા હાથે લડવાની જાહેરાત…
ગુજરાતમાં ત્રીજા પક્ષને મતદારો સ્વીકારતા નથીઃ પ્રદેશપ્રમુખે કરી મોટી વાત

અમદાવાદ: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના મિશન માટે તૈયાર થયેલી કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદમાં બે દિવસના અધિવેશન પછી પણ પાર્ટીને વધુ મજબૂત બનાવવાના દાવા પછી આજે સૌથી મોટી જાહેરાત કરી હતી. કડી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ વતીથી એકલા લડવાની જાહેરાત કરીને ભાજપ (ભારતીય જનતા પાર્ટી) જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી (આપ)ને આશ્ચર્ચમાં નાખ્યા છે. મિશન 2027ની જાહેરાત કર્યા પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટીને સત્તામાં નહીં લાવવાની દેવાની જાહેરાત કર્યા પછી અચાનક પાર્ટીએ યુ-ટર્ન લેતા સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટીને લાગ્યો છે.
કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે આજે કોંગ્રેસે મહત્વની જાહેરાત કરી છે. આ બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)એ ગોપાલ ઇટાલિયાને તેમના ઉમેદવારની જાહેરાત કરી હતી, ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ સાથે આપનાં ગઠબંધનને લઈને પણ ચર્ચા થઈ રહી હતી, પરંતુ હવે કોંગ્રેસે વિસાવદર બેઠક પર આપ-કોંગ્રેસના ગઠબંધન પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.
રાષ્ટ્રીય સ્તરે અમારું ‘ગઠબંધન’ છે અને રહેશે
કોંગ્રસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરતા કહ્યું હતું કે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કાર્યકરોના દિલમાં શું છે અને શું આગળ સંગઠનના ‘નવસર્જન’ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાતમાં બે પેટા ચૂંટણી આવી રહી છે તે અંગે ચર્ચા થઈ હતી. ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરાયો છે અને રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે અને રહેશે.
ગુજરાતી મતદાતાએ નથી સ્વીકારી ત્રીજી પાર્ટી
શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો નિર્ણય કરતાં હોય છે. તેમણે કહ્યું હતું કે હરિયાણામાં હું પ્રભારી હતો અને તે સમયે કોંગ્રેસની જીત નક્કી હતી, પરંતુ કોઇ પણ પ્રકારનું સંગઠન નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડી હતી અને આથી જ કોંગ્રેસને ઓછી બેઠકો મળી હતી. ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો ઈન્ડિ ગઠબંધન કરવાનું છે. આ ગઠબંધન જાળવવા માટે જ અમે ભરૂચ અને ભાવનગર અમે છોડ્યું હતું. ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત આપતી નથી.
વિસાવદર-કડી બંને બેઠક પર કોંગ્રેસ એકલા હાથે મેદાને
ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી સહિત શંકરસિંહ વાઘેલાની અનેક પાર્ટી આવી હતી, પરંતુ કોઈ પાર્ટીને વધુ મત મળ્યા નથી. 11 ટકા મત છોડીને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું હોવા છતાં જનતાએ કોંગ્રેસને જ વધુ મત આપ્યા હતા, તેથી કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે વિસાવદર અને કડી બંને બેઠકોની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે. જોકે, તેમણે 2027ની ચૂંટણીને લઈને શક્તિસિંહે જવાબ આપવાનું ટાળ્યું હતું. ગુજરાતમાં બે દિવસના અધિવેશન પછી પાર્ટીને મજબૂત કરવાની વાતથી પાર્ટી ખૂદ મજબૂત બની છે યા વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની વારંવાર મુલાકાતથી પક્ષમાં પ્રાણ પુરાયો છે. જોકે, પક્ષમાં રહેલા ‘વિરોધીઓને’ પાર્ટી બહાર કરવાની વાતો વચ્ચે પાર્ટીમાં રાજકીય ગરમાવો આવ્યો છે. બીજી બાજુ એકલા ચાલોની નીતિ અપનાવીને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરીને પાર્ટી પાસે હજુ મોટી કોઈ વ્યૂહરચના હોવાની શંકા રાજકીય વર્તુળોએ કરી હતી.
આપણ વાંચો : કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીને કર્યા પ્રશ્ન, અને રાહુલ ગાંધીએ શું આપ્યા જવાબ, જાણો?