ગુજરાત ભાજપમાં આગામી સપ્તાહે થશે નવા જૂની, ટોચના નેતાઓ પહોંચ્યા દિલ્હી દરબારમાં…

અમદાવાદઃ ગુજરાતમાં ઘણા સમયથી પ્રદેશ પ્રમુખના નામનું કોકડું ગુંચવાયેલું છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી સપ્તાહે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે ભાજપ પણ નવા જૂની કરવાની તૈયારીમાં છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. જેને લઈ રાજ્યમાં આગામી સપ્તાહે કોઈ મોટી જાહેરાત થાય તેવી શક્યતા છે.
હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી મોરચાના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ ભાજપમાં કોળી સમાજની મહિલા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાની તૈયારી છે. આમ છતાં આરએસએસના કોઈ ચહેરાને પણ તક આપવામાં આવી શકે છે. આ વખતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે મહિલા અથવા આરએસએસનો ચહેરો આવે તેવી શક્યતા છે. ઓબીસી મોરચાના નેતાઓ સાંસદ મયંક નાયકના મહેમાન બન્યા છે. તેથી ઓબીસી પ્રદેશ પ્રમુખ પદે આવી તેવી અટકળો છે.
પ્રધાન મંડળનું વિસ્તરણ નક્કી
આ ઉપરાંત સૂત્રોના કહેવા મુજબ, પ્રધાન મંડળનું વિસ્તરણ પણ નક્કી છે અને તેમાં પણ મોટ પાયે ફેરફાર થવાની શક્યતા છે. છ જેટલા પ્રધાનને રિપીટ કરવામાં આવશે અને બાકીના ચહેરા બદલાશે. ગુજરાતમાં હાલમાં રાજ્યનું પ્રધાન મંડલ 27 સભ્યોનું છે. પ્રધાન મંડળમાં હજુ પણ 9 થી 10 નવા સભ્યોનો સમાવેશ થઈ શકે છે. જો આમ થશે તો રાજ્યના રાજકારણમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે.
એક ચર્ચા મુજબ શંકર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, સી જે ચાવડા, કિરીટસિંહ, અમિત ઠાકર, જયેશ રાદડીયા, ઉદય કાનગડ, સંગીતા પાટીલને પ્રધાન પદ મળી શકે છે. જ્યારે ગણપત વસાવા ફરી સ્પીકર બની શકે છે.
વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યા 182 છે. આ અનુસાર તેના 15 ટકા પ્રધાનોની સંખ્યા સુનિશ્ચિત કરવામાં આવી હોવાથી ગુજરાતમાં 27 સભ્યો સાથેનું પૂર્ણ કદનું પ્રધાન મંડળ ગણવામાં આવે છે. પરંતુ પ્રધાન મંડળની સંખ્યા 22 થી 23 જ હોઈ શકે છે, એટલે કે પૂર્ણ કદનું પ્રધાન મંડળ ન બને તેવી પણ શક્યતા છે.
ગુજરાતના પ્રધાનોનું લિસ્ટ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાણા, ઉર્જા અને પેટ્રોકેમિલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, કૃષિ -પશુપાલન, ગૌસંવર્ધન અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ પ્રધાન – રાઘવજી પટેલ, ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અન શ્રમ રોજગાર પ્રધાન – બલવંતસિંહ રાજપૂત, જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબત – કુંવરજી બાવળીયા, પ્રવાસન પ્રધાન – મુળુભાઈ બેરા, આદિજાતિ વિકાસ તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ – કુબેર ડીંડોર, મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય- ભાનુબેન બાબરીયા.
રાજ્યકક્ષાના પ્રધાનો
ગૃહ અને પોલીસ હાઉસિંગ, રમત ગમત, વાહનવ્યવહાર – હર્ષ સંઘવી, સહકાર – જગદીશ પંચાલ, મત્સ્યોદ્યોગ અને પશુપાલન – પરષોત્તમ સોલંકી, પંચાયત અને કૃષિ – બચુબાઈ ખાબડ, વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા – મુકેશ પટેલ, સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ – પ્રફુલ પાનશેરીયા, અન્ન અને નાગરિકા પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા – ભીખુસિંહજી પરમાર, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ – કુંવરજી હળપતિ.
આપણ વાંચો: કેચ ધ રેઈનઃ સુજલામ સુફલામ જળ સંચય (02) અભિયાનનો મહેસાણાથી શુભારંભ