ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજાની જમાવટ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા અગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના ત્રણ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન લગાવામાં આવ્યુ છે જેમાં સુરત, નવસારી અને વલસાડમાં વરસી શકે છે. ગુજરાતમાં ગુરૂવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યામાં સવાર સુધીમાં કુલ સરેરાશ 20.15 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અવરીત વ્યાપક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન એટલે ગુરૂવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. આ સાથે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપી છે.
આગામી 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં વરસાદ સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી પણ રહેશે. સૌરાષ્ટ્ર , ઉત્તરગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠામાં વરસી શકે છે તેમજ ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા દર્શાવી છે.
કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની શક્યતા છે.
દરમિયાન હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. 24 કલાકમાં કુલ 110 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમા સૌથી વધુ કડીમાં સાડા 5.28 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના ઈડરમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભરૂચના હાંસોટ, નેત્રંગ અને જોટાણામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે પ્રાંતિજ અને ભિલોડામાં પોણા બે ઈંચ વરસાદ, વિજાપુર, માણસા, હિંમતનગરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે છ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
રાજ્યમાં આજે ગુરૂવારે સવારે છ વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 20.15 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં 25.59 ઈંચ, સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 29.15 ઈંચ, દક્ષિણ ઝોનમાં 20.57 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પુર્વ ઝોનમાં 12.95 ઈંચ નોર્થ ઝોનમાં 13.71 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો છે.