આપણું ગુજરાત

વિશ્વ તમાકુ મુક્ત દિવસ: તમાકુથી થતા કેન્સરમાં ગુજરાતના આંકડા ભારે ચિંતાજનક

અમદાવાદઃ તમાકુના વ્યસનથી લોકો દૂર રહે તે માટે દર વર્ષે 31મી મેના રોજ વિશ્વ તમાકુ મુક્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તમાકુનું સેવન કરતા લોકોની સંખ્યા પણ પ્રમાણમાં છે. જેના કારણે અનેક લોકોને કેન્સર પણ થયાં છે. તમે જે સિગારેટ કે બીડી પીવો છો તેમાં એક બે નહીં પરંતુ 7000 પ્રકારના કેમિકલ હોય છે. જે તમારા શરીરને અંદરથી કોરી ખાય છે. તમાકુના પેકેટ પર લખેલું હોય છે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જીવલેણ છે, તેમ છતાં પણ લોકો તમાકુનું સેવન કરે છે. જેના કારણે કેન્સરના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

રાજ્યમાં ચોથા ભાગના પુખ્ત વયના લોકો તમાકુના વ્યસની

ગુજરાતની વાત કરવામાં આવે તો, રાજ્યમાં લગભગ ચોથા ભાગના પુખ્ત વયના 15 વર્ષ કે તેનાથી ઉપરની ઉંમરના લોકો કોઇને કોઇ પ્રકારે તમાકુનું સેવન કરી રહ્યાં છે. આમાં મહિલાઓની સંખ્યા 10.4 ટકા છે, જ્યારે પુરૂષોની સંખ્યા 38.7 ટકા છે. મતલબ કે મહિલાઓ કરતા પુરૂષોમાં આ પ્રમાણ નોંધપાત્ર રીતે વધારે છે. એટલું જ નહીં પરંતુ પુરૂષોમાં 56.1 ટકા અને મહિલાઓમાં 18.6 ટકા કેન્સર સાઇટ્સમાં તમાકુનો ઉપયોગ સંકળાયેલો છે. તમાકુના કારણે પુરૂષોમાં કેન્સર થાય તેમાં 38 ટકાને મોંઢાનુ કેન્સર, 21 ટકાને જીભનું કેન્સર અને 15 ટકાને ફેફસાં કેન્સર થયું છે. જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો, 27 ટકાને મોઢાનું કેન્સર, 24 ટકાને જીભનું કેન્સર અને 15 ટકાને ફેફસાંનું કેન્સર થયું છે.

આ પણ વાંચો: વર્લ્ડ નૉ ટોબેકો ડેઃ મન મક્કમ રાખી આ રીતે છોડો જીવલેણ તમાકુંની આદત

ગુજરાતમાં વર્ષ 2023માં નોંધાયેલા કેન્સરના દર્દીઓનું પ્રમાણ

હવે ગુજરાતમાં તમાકુના કારણે 2023 અને 2024માં થયેલા કેન્સરના આંકડાની વાત કરવામાં આવે તો, 2023માં 225 મહિલા અને 366 પુરૂષોને અન્નનળીનું કેન્સર થયું હતું. 27 મહિલાઓ અને 104 પુરૂષોને હોંઠનું કેન્સર થયું હતું. 548 મહિલાઓ અને 2536 પુરૂષોને મોઢાનું કેન્સર થયું હતું. 317 મહિલાઓ અને 1174 પુરૂષોને જીભનું કેન્સર થયું હતું. 28 મહિલાઓ અને 265 પુરૂઓને સ્વરપેટીનું કેન્સર થયું હતું.

ગુજરાતમાં વર્ષ 2024માં નોંધાયેલા કેન્સરના દર્દીઓનું પ્રમાણ

2024ની વાત કરવામાં આવે તો, 239 મહિલા અને 386 પુરૂષોને અન્નનળીનું કેન્સર થયું હતું. 36 મહિલાઓ અને 118 પુરૂષોને હોંઠનું કેન્સર થયું હતું. 609 મહિલાઓ અને 2594 પુરૂષોને મોઢાનું કેન્સર થયું હતું. 295 મહિલાઓ અને 1197 પુરૂષોને જીભનું કેન્સર થયું હતું. 15 મહિલાઓ અને 262 પુરૂઓને સ્વરપેટીનું કેન્સર થયું હતું.

આ પણ વાંચો: મેલ મેટર્સ : વિશ્વ તમાકુ નિષેધ દિવસ તંબાકુના ઘાતક પ્રહાર વચ્ચે ભારતીય પુરુષ ક્યાં છે?

એક જ વર્ષમાં કેન્સરના 17,000 થી પણ વધારે દર્દી નોંધાયા

કેન્સરની દર્દીઓની વાત કરવામાં આવે તો, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માત્રલ એક જ વર્ષમાં 17,000 થી પણ વધારે દર્દીઓ કેન્સરના આવ્યાં છે. જેમાંથી 43 ટકા લોકો એવા છે જેમને તમાકુના કારણે કેન્સર થયું છે. 2013થી 2023 દરમિયાન 10 વર્ષમાં રાજ્યમાં કેન્સરના કારણે 4 લાખ દર્દી મોતને ભેટ્યા છે. ભારતની વાત કરીએ તો, 2023માં કેન્સરના 14.96 લાખથી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી 8 લાખથી પણ વધારે દર્દીઓના મોત થયાં હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button