ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતનો રિન્યુએબલ એનર્જીનો હિસ્સો ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા ઉપર લઇ જવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશના કુલ ઊર્જામાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધીને ૪૨ ટકા થયો છે જે નોંધપાત્ર છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં સરકાર ૫૦ ટકા સુધી રિન્યુએબલ એનર્જીની સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગુજરાત એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા મહાત્મા મંદિર ખાતે ‘વોટ્સથી ગીગાવોટ ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી’ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગુજરાતના ઊર્જા અને નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે ૨૦૧૦માં ભારતમાં સૌ પ્રથમ વાર સોલર પૉલિસી બનાવી હતી. ગુજરાત ભારતમાં વીજ અને સોલર ઊર્જા ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય છે. ગુજરાતના પાંચ લાખ ઘરોની છત પર સોલર પેનલ લગાવી ગુજરાતે રૂ. ૨૦૦૦ કરોડની બચત કરી છે. ગ્રીડમાં પાવર લગાવીને ૩૦૦૦ કરોડનું આર્થિક ઉપાર્જન કરવામાં આવ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવ ભૂપિન્દર સિંહ ભલ્લાએ જણાવ્યું હતું કુલ ઊર્જામાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધીને ૪૨ ટકા થયો છે જે નોંધપાત્ર છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં સરકાર ૫૦ ટકા સુધી રિન્યુએબલ એનર્જીની સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.
એનપીટીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપ સિંહે સંબોધન કરતા જણાવ્યું હતું કે,૨૦ ગીગા વોટ ક્ષમતા સાથેના પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં ૨ લાખ કરોડનું રોકાણ આવવાનો અંદાજ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અંતિમ ઉદ્દેશ્ય ગ્રીડની જરૂરિયાત મુજબ ગ્રાહકોને વિશ્ર્વસનીય અને પરવડે તેવી શક્તિ છે. ઊર્જા સુરક્ષા સર્વોપરી છે અને આપણે શક્ય હોય ત્યાં સુધી જવાની જરૂર છે. તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારની નીતિઓ રોકાણ
કરવા, મદદ કરવાનો માર્ગ બતાવશે અને એક નિશ્ર્ચિત અભિગમ તરફ લઇ જશે.