ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં ૯મી નવેમ્બરથી દિવાળી વેકેશન પડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગજરાતની તમામ પ્રાથમિક સ્કૂલોમાં તા.૯મી નવેમ્બરથી દિવાળી વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતી દિવાળી વેકેશનની તારીખ અનુસાર જ પ્રાથમિકમાં તારીખ જાહેર કરવામાં આવતી હોય છે. જેથી પ્રાથમિક અને માધ્યમિકમાં એક સાથે દિવાળી વેકેશન રાખી શકાય. આ વર્ષે પણ પ્રાથમિક અને માધ્યમિકમાં એક સાથે તા.૯મી નવેમ્બરથી વેકેશનનો પ્રારંભ થશે અને ૨૯ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે તેવી જાહેરાત કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવતા એકેડેમિક કેલેન્ડર અનુસાર જ પ્રાથમિક સ્કૂલોમાં પણ દિવાળી વેકેશન નિયત કરવામાં આવે છે. જે અનુસાર, આ વર્ષે પણ શિક્ષણ બોર્ડના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલી તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન ૯ નવેમ્બર, ૨૦૨૩થી ૨૯ નવેમ્બર, ૨૦૨૩ સુધી કુલ ૨૧ દિવસનું નિયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.