આપણું ગુજરાત

ગુજરાતનું ગૌરવ: એનઆઈડીના પૂર્વ ડિરેક્ટર બન્યા વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: તાજેતરમાં જ જાપાનના ટોકિયોમાં વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઈઝેશનની બેઠક યોજાઈ હતી. વિશ્ર્વના ૪૦ દેશો તેના સભ્ય છે અને આ સંસ્થા સમગ્ર વિશ્ર્વમાં ડિઝાઇન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને અન્ય કામગીરી પણ કરી રહી છે. એનઆઈડી અમદાવાદના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રદ્યુમ્ન વ્યાસ ૫૮ ટકા મતો સાથે ડબલ્યુડીઓના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેઓ વર્ષ ૨૦૨૩-૨૫ માટે પ્રેસિડેન્ટ ઇલેક્ટ તરીકે સેવા આપશે અને બાદમાં વર્ષ ૨૦૨૫-૨૭ માટે પ્રેસિડેન્ટ રહેશે. ડબલ્યુડીઓમાં પ્રેસિડેન્ટ ઇલેક્ટની ચૂંટણી કરવામાં આવે છે, જ્યારે તે જ વ્યક્તિ બે વર્ષ પછી આપમેળે પ્રમુખ બને છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એ ડિઝાઇન ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા છે. પ્રદ્યુમ્ન વ્યાસે તેને નંબર વન સ્થાને લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. વ્યાસ ૨૦૧૯ સુધી એનઆઈડી અમદાવાદના ડાયરેક્ટર હતા. હાલમાં તેઓ સીઆઈઆઈના વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન એનઆઈડીને ઈન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો પણ મળ્યો હતો. તે સમયે તેમણે ઈન્ડિયા ડિઝાઈન કાઉન્સિલના સભ્ય સચિવ તરીકે પણ દસ વર્ષ સુધી કામ કર્યું હતું. તેમના કાર્યકાળમાં ચાર નવી એનઆઈડી પણ શરૂ કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશના ઝાબુઆ અને ધાર જિલ્લાની આદિવાસી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને, પ્રદ્યુમ્ન વ્યાસ આઈઆઈટી મુંબઈ પહોંચ્યા અને ડિઝાઇનમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી વર્ષ ૨૦૧૯માં, તેમને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન પ્રમોશન દ્વારા જાપાનના સારા ડિઝાઇન ફેલોથી નવાજવામાં આવ્યા અને જાપાનનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button