આપણું ગુજરાત

ગુજરાતનું ગૌરવ: “એક પેડ માં કે નામ” અભિયાનમાં ૧૭.૪૮ કરોડ વૃક્ષો વાવી દેશમાં બીજા સ્થાને

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ જાળવણી અને માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2024થી કરાવી હતી. વડાપ્રધાને દેશવાસીઓને પોતાની માતાઓ માટેના પ્રેમ, આદર અને સન્માનના પ્રતિકરૂપે એક વૃક્ષ વાવવા અને ગ્રીન કવર વધારવા 2024ના વિશ્વ પર્યાવરણ દિવસે આહવાન કર્યું હતું. આ અભિયાનને ૫ જૂન, ૨૦૨૫ના એક વર્ષ પૂર્ણ થવાનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બુદ્ધ જયંતી પાર્કમાં પીપળાના વૃક્ષના વાવેતરથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. “એક પેડ માં કે નામ” અંતર્ગત સમગ્ર દેશમાં 140 કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. દેશભરમાં વ્યક્તિઓ, સંસ્થાઓ, સમુદાય આધારિત સંસ્થાઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ લોકભાગીદારી જોડીને આ અભિયાનને જન આંદોલન બનાવ્યું હતું.

આ પણ વાંચો: સ્વતંત્રતા દિવસઃ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ સંરક્ષણ મંત્રાલય 15 લાખ વાવશે

ગુજરાતે “એક પેડ માં કે નામ” અભિયાનમાં 17 કરોડ 48 લાખ રોપાના વાવેતરથી દેશના રાજ્યોમાં આ અભિયાનની લક્ષ્યાંક સિદ્ધિમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ “એક પેડ માં કે નામ” અભિયાનમાં સમગ્ર ગુજરાતે વ્યાપક પ્રતિસાદ આપીને શહેરી વિસ્તારમાં 15.72 કરોડ તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં 1.76 કરોડ રોપાઓનું વાવેતર જનશક્તિને જોડીને કર્યું હતું. કચ્છ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત સૌથી વધુ 2 કરોડ 95 લાખ રોપા વાવવામાં આવ્યા હતા.

આ અભિયાનની દેશવ્યાપી પ્રગતિનું નિરીક્ષણ “મેરી લાઈફ” પોર્ટલ દ્વારા થાય છે. આ હેતુસર વૃક્ષારોપણના જીઓ ટેગ કરેલા ફોટા અને વિડીયો અપલોડ કરવામાં આવે છે. ગુજરાત દ્વારા આવા 17 કરોડ 48 લાખ 34 હજાર 820 છોડ-રોપા ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પીએમ મોદીએ Mann Ki Baat માં “એક પેડ મા કે નામ” પર ભાર મૂક્યો, પેરિસ ઓલમ્પિક અંગે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી

આ હેતુસર, અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વિસ્તારમાં જગતપુર બ્રિજ પાસેના પ્લોટમાં 5 હજાર ચોરસ મીટર જગ્યામાં સિંદૂરના 551 વૃક્ષોના સિંદૂર વન સહિત 12 હજાર વૃક્ષો સાથેનો ઓક્સિજન પાર્ક ઉભો કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button