આપણું ગુજરાત

ગુજરાતની વીજ માગમાં બે દાયકામાં ત્રણ ગણો વધારો: ૨૦૨૩ સુધીમાં ૨૪,૫૪૪ મેગાવોટ થઈ

ખાનગી આયાતી કોલસા આધારિત પ્રોજેક્ટ્સમાંથી કુલ વીજ ખરીદીના ૧૬ ટકા વીજળી ખરીદાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: વર્ષ ૨૦૦૨થી વર્ષ ૨૦૨૩ સુધીમાં ગુજરાતની વીજ માંગમાં ત્રણ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૦૨માં રાજ્યની મહત્તમ વીજ માગ ૭૭૪૩ મેગાવોટ હતી, જે વર્ષ ૨૦૨૩માં સુધીમાં વધીને ૨૪૫૪૪ મેગાવોટ થઈ છે.

વિધાનસભા ગૃહમાં બોલતા ઊર્જા પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં વધી રહેલી આ વીજ માગને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા વીજળી ખરીદવામાં આવે છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ (ટાટા પાવર) સાથે ૨૫ વર્ષ માટે રૂ. ૨.૨૬ પ્રતિ યુનિટના લેવલાઇઝડ દરે વીજ ખરીદી કરવા માટે વર્ષ ૨૦૦૭માં કરાર કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં ખાનગી આયાતી કોલસા આધારિત પ્રોજેક્ટ્સમાંથી કુલ વીજ ખરીદીના લગભગ ૩૨ ટકા જેટલી વીજળી ખરીદવામાં આવી હતી, જ્યારે ૨૦૨૩માં ખાનગી આયાતી કોલસા આધારિત પ્રોજેક્ટ્સમાંથી કુલ વીજ ખરીદીના લગભગ ૧૬ ટકા જેટલી જ વીજળી ખરીદવામાં આવી છે. ૨૦૧૭ થી ૨૦૨૩ સુધીમાં સોલર જનરેશનમાં ૪ ગણા જેટલો વધારો થયો છે.

તેમણે કહ્યું હતુ કે, ઇન્ડોનેશિયન કોલસા ઇન્ડેક્સ જે સામાન્ય રીતે સરેરાશ ૯૦ યુએસ ડૉલર પ્રતિ મેટ્રિક ટન જેટલો રહેતો હતો, જેમાં સપ્ટેમ્બર-૨૦૨૧ બાદ અસાધારણ રીતે વધારો થતાં ઓગસ્ટ-૨૦૨૨માં મહત્તમ ૩૩૧ યુએસ ડોલર પ્રતિ મેટ્રિક ટન જેટલો થયો હતો. આ સાથે જ રૂપિયાનો ડૉલર સામેનો ભાવ પણ વધી ગયો હતો. જે પછીના સમયગાળા દરમ્યાન આયાતી કોલસાના ભાવમાં અતિશય ભાવવધારો થવાના કારણે કરાર અંતર્ગતના વીજ દર પોસાતા ન હોવાથી રાષ્ટ્રીય સ્તરે મોટાભાગના ઈમ્પોર્ટેડ કોલસા આધારિત વીજ પ્રોજેકટો દ્વારા વીજ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું.

ગુજરાત પાસે ૨૪૮૪ મેગાવોટ ગેસ આધારિત વીજક્ષમતા ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીમાં ગેસ આધારિત વીજ પ્રોજેક્ટમાંથી વીજ પુરવઠો ખરીદવામાં આવતો હતો. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામે ગેસમાં શોર્ટેજ આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં પણ અસાધારણ વધારો થતાં ગેસ આધારિત મથકોમાંથી પણ સ્થાપિત ક્ષમતા મુજબનું ઉત્પાદન મેળવવું શક્ય ન હતું એવુ ઊર્જા પ્રધાને કહ્યું હતું.

તેમણે એવું પણ કહ્યું હતું કે, આવી કપરી સ્થિતિને નિવારવા કેન્દ્ર સરકાર દ્વારા ઈલેક્ટ્રિસિટી એકટ-૨૦૦૩ના સેકશન-૧૧ અંતર્ગત ઈમ્પોર્ટેડ કોલસા આધારિત વીજ પ્રોજેકટોને પૂર્ણ ક્ષમતાએ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે અન્વયે કેન્દ્ર સરકારની કમિટી દ્વારા નિર્ધારિત એનર્જી ચાર્જના દરે કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડને ચુકવણી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની ભવિષ્યની વીજમાંગને પૂરી પાડવા માટે, રાજ્ય દ્વારા બિડિંગ પ્રક્રિયા થકી સૌથી ઓછો દર બિડ કર્યો હોય તેવા ખાનગી વીજ ઉત્પાદકો સાથે વીજ કરાર કરવામાં આવે છે, જે વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button