ગુજરાતની જેલો હાઉસફુલ! જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓનો બોજ: આંકડાએ ચિંતા વધારી…

અમદાવાદઃ ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. રિપોર્ટ મુજબ 30 જેલોમાં 14 હજારથી વધુ કેદીઓ હોવાના રિપોર્ટે સુરક્ષા અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. રાજ્યની જેલોમાં મહત્તમ 10,108 કેદીની ક્ષમતા છે તેની સામે 14 હજારથી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. અમદાવાદની મધ્યસ્થ જેલમાં ક્ષમતાથી 1081 વધુ કેદી છે, જ્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં 986 કેદી વધુ છે.
આંકડા મુજબ રાજ્યની 10 જિલ્લા જેલમાં ક્ષમતાથી વધુ કેદી નથી. મહેસાણા, હિંમતનગર મહિલા જેલમાં વધુ કેદી નથી તો ભરૂચ, રાજપીપલા, ગોંડલ મહિલા જેલમાં પણ વધુ કેદી નથી. અમરેલી, જૂનાગઢ મહિલા જેલમાં વધુ કેદી નથી. જુનાગઢમાં 265 કેદીની ક્ષમતા છે અને 241 કેદી વધારે છે તો જામનગરમાં 466 કેદીની ક્ષમતા છે અને 97 કેદી વધારે છે.
ગોધરા જેલમાં 165 કેદીની ક્ષમતા છે અને 139 કેદી વધારે છે તથા સુરેન્દ્રનગરમાં 125 કેદીની ક્ષમતા છે જેમાં 114 કેદી વધારે છે. મોરબી જેલમાં 171ની ક્ષમતા છે અને 148 કેદી વધારે છે.
લાજપોર જેલમાં 2967 કેદીની ક્ષમતા છે અને 302 કેદી વધારે છે. નડીયાદમાં 421 કેદીની ક્ષમતા છે અને 71 કેદી વધારે છે. પાલનપુરમાં 268 કેદીની ક્ષમતા છે અને ત્યાં 110 કેદી વધારે છે. ક્ષમતા કરતાં વધુ કેદીઓ ગુજરાતની જેલોમાં એક ગંભીર અને વ્યાપક સમસ્યા છે.
આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યની જેલોમાં કેદીઓની સંખ્યા તેમની સત્તાવાર ધારણ ક્ષમતાકરતાં ઘણી વધારે છે, જેના કારણે અનેક પડકારો ઊભા થાય છે. રાજ્યમાં કેદીઓની વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી જેલોનું નિર્માણ કરવું અને હાલની જેલોની ક્ષમતા વધારવી જરૂરી છે.
આ પણ વાંચો…જેલોમાં ‘આશ્રમ’ જેવું વાતાવરણ બનાવોઃ ગુજરાત હાઈ કોર્ટનો જેલ આઈજીને નિર્દેશ