આપણું ગુજરાત

ગુજરાતના ચાર મોટા ડેમનું મજબૂતીકરણ થશે: વિશ્ર્વ બૅન્કની ₹ ૩૬૧ કરોડની લોન મંજૂર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતના ચાર મોટા ડેમ-ઉકાઈ, ધરોઈ, કડાણા અને પાનમનું કેન્દ્ર સરકારના જળસંપત્તિ મંત્રાલયની ડેમ ઇમ્પ્રૂવમેન્ટ એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ-‘ડ્રીપ’-૨.૦ હેઠળ રિપેરિંગ તથા મજબૂતીકરણ કરવામાં આવશે. આ માટે વિશ્વ બેન્કે રૂ.૩૬૧ કરોડની લોન મંજૂર કરી છે.

ડેમ સેફ્ટી રિવ્યૂ પેનલના રિપોર્ટને આધારે આ કામગીરી હાથ ઉપર લેવાઈ છે, જેમાં ડેમના મજબૂતીકરણ ઉપરાંત સ્પિલવે કેપેસિટી વધારવાની, જરૂર પડયે વધારાના ગેટ લગાવવાની, હયાત ગેટ રિપેરિંગ અથવા જરૂર પડયે નવા લગાવવાની, સિપેજ લીકેજ માટે સિમેન્ટિંગ યાને ગ્રાઉટિંગની કામગીરી થશે.

અત્યારે ટેન્ડરિંગ દ્વારા કોન્ટ્રાક્ટર શોધી કામગીરી સોંપવાની કામગીરીમાં વર્કઓર્ડર અપાયા છે, તો કેટલાકમાં ટેન્ડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ ચારે ડેમના રિપેરિંગ તથા મજબૂતીકરણનું કાર્ય આવતા બે વર્ષમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે અને વર્લ્ડબૅન્ક તબક્કાવાર લોનનું ચુકવણું કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ચાર ડેમ સાથે શેત્રુંજી, મચ્છુંદરી તથા હિરણ-૧ એમ બીજા ત્રણ ડેમની કામગીરી પણ હાથ ઉપર લેવાની હતી, ‘ટેક્નિકલ’ કારણોસર આ ત્રણ ડેમનું કાર્ય બાકી રાખવામાં આવ્યું છે, જે બાદમાં હાથ ઉપર લેવાશે, તેમ જણાવાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,દેશમાં નવો ડેમ સેફ્ટી એક્ટ ડિસેમ્બર-૨૦૨૧થી અમલમાં મુકાયો છે, જેના કારણે ૧૦૦ વર્ષથી વધુ આયુ ધરાવતા ડેમ શક્ય હોય તો રિપેરિંગ કરવાનું અથવા ક્રમશ : નેસ્તનાબૂદ કરવાનું નક્કી
થયું છે.

અલબત્ત, ગુજરાત સરકારે જે પ્રથમ તબક્કામાં ઉક્ત ચાર ડેમ મજબૂત કરવાનું કાર્ય હાથ ઉપર લીધું છે, તે ચારે મોટાભાગથી ૪૦થી વધુ વર્ષ જૂના છે. સૂત્રો એવું પણ કહે છે કે, અત્યાર સુધી રાજ્યના ૩૦૬ ડેમનું મોનિટરિંગ ચોમાસા દરમિયાન ગાંધીનગર ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા થતું હતું, પણ હવે નવા એક્ટના અમલીકરણ પછી રાજ્યના નાના-મોટા મળીને કુલ ૫૩૦ જેટલા ડેમ જળાશયોનું મોનિટરિંગ રાજ્ય સરકારે ફરજિયાત કરવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button