ગુજરાતનાં અસરદાર સરદાર કરી શકે છે નિર્ણય: ઓછું મતદાન,મંત્રીપદ પર તલવાર?

લોકસભા 2024માં ત્રીજા ચરણમાં થયેલું ગુજરાતનું મતદાન અનપેક્ષિત રહ્યું. પાંચ લાખની તો લીડની જ વાત કરતો અને તે માટે પોરસાતો ભાજપ, સીટ ઓછી થશે તો ? ના વિચારે ફફડી ઉઠ્યો છે. ગુજરાતની દરેક જનતાનો સીધો મત મોદીને,અને વડાપ્રધાન મોદી પણ વિધાનસભા હોય કે લોકસભા-ચૂંટણીમા કહેતા જ આવ્યા છે.ઉમેદવાર ના જુઓ તમારો મત સીધો મને જ જાય છે. આ વચ્ચે અકળપણે ગુજરાતનો મતદાર સરેરાશ ઉદાસ રહ્યો. પરિણામ એ આવ્યું કે માત્ર 59 ટકા જ વોટિંગ થયું. 2019ની લોકસભાની ચૂંટણી કરતાં સીધું જ 6 ટકા ઓછું. શું ગુજરાતની જનતા વાયદાઓ, વચનોની લહાણથી કંટાળી ગઈ છે ? ભાજપ માને છે કે તેનો ‘કમિટેડ વોટર્સ’ તેની સાથે જ રહ્યો છે.એટલે ફરીવાર 25 બેઠકો જીતીશું.કદાચ લીડ ઓછી આવે,પણ બેઠકો તો બધી જ આવશે.
બીજી તરફ કોંગ્રેસને ક્ષત્રિય આંદોલન પર મદાર છે કે આ આંદોલન મદદગાર સાબિત થશે. વડોદરા, આણંદ, બનાસકાંઠા,સાબર કાંઠા, ભરુચ-ભાવનગર(ગઠબંધન બેઠક ) સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગર અને સૌથી વધુ વોટિંગ રાજ્યમાં જે લોકસભા બેઠક પર નોંધાયું છે તે વલસાડ. સાથોસાથ અમદાવાદ પૂર્વની બેઠક પણ. ક્ષત્રિય સમાજના જે મોટા દાવા છે કે. ગુજરાતમાં ભાજપ 7 બેઠકો ગુમાવે છે,અને 4 પર રસાકસી રહેશે. તે બેઠકો મોટા ભાગે આ જ છે. હવે ગુજરાતમાં 25 માથી પાંચ બેઠકો પણ ઓછી થાય તો ભાજપને મોટું નુકસાન થાય,અને ભવિષ્યમાં થનારા વધુ નુકસાનના ભણકારા પણ વાગે. ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે ત્યારે નુકસાન થયેલી બેઠકો પર વધુ નુકસાન ગ્રાઉંડ લેવલથી થવાનું શરૂ થાય. ભાજપને આ ભય સતાવતો હોય તો નવાઈ પણ નથી.
ગુજરાતમાં ભાજપ સંભવિત નુકસાનની ભીતિમાં છે. એટલે હવે જે મંત્રી મંડળના મંત્રીઓના વિસ્તારમાં ઓછું મતદાન અને લોકસભા બેઠકની રહેવા કે જવાની સંભાવનાઓ વચ્ચે સોંપાયેલી જવાબદારીઓનું યોગ્ય નિર્વહન થયું કે કેમ ? ત્યાંથી લઈને ક્ષત્રિય આંદોલનની અસર, સહિતના પાસાઓની ચકાસણી થશે. અને ભવિષ્યમાં થનારા મંત્રી મંડળના વિસ્તરણમાં કેટલાક મંત્રીઓને ઘરે બેસાડી દેવાનો પ્રયોગ થાય તો જરા પણ નવાઈ નહીં રહે. ક્યાં મંત્રીના વિસ્તારમાં કેટલું મતદાન થયું ? કોની કામગીરી નબળી કે પછી બૂથ સુધી મતદારો કેમ ના આવ્યા ? તે તમામ સવાલો તૈયાર છે અને તેના પર કામ થશે. ભવિષ્યમાં થનારા ગુજરાત સરકારના મંત્રી મંડળ વિસ્તરણમાં તેની સીધી જ અસર દેખાડી શકે છે ગુજરાતનાં અસરદાર સરદાર ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોવડી મંડળ.