ગુજરાતનો 34મો જિલ્લો ‘વાવ-થરાદ’ અસ્તિત્વમાં: કલેકટર સહિતના અધિકારીઓએ સંભાળ્યો ચાર્જ

8 તાલુકા, 416 ગામ અને 9.78 લાખ વસ્તી સાથે ‘વાવ-થરાદ’ જિલ્લો બન્યો, જાણો કોણ બન્યા પ્રથમ કલેકટર
બનાસકાંઠાઃ ગુજરાતનો 34મો જિલ્લો વાવ-થરાદ અસ્તિત્વમાં આવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પ્રધાન બલવંતસિંહ રાજપૂતના વરદહસ્તે નવીન વાવ – થરાદ કલેકટર કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં નવો 34મો જિલ્લો અસ્તિત્વમાં આવતા લોકોએ ઢોલનગરા વગાડી ખુશી મનાવી હતી. 413 ગામવાળો અને 9.78 લાખ વસ્તી ધરાવતા વાવ-થરાદ જિલ્લાની કચેરીઓ દશેરાના પર્વથી ખુલ્લી મૂકાઈ હતી.
થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓનો શુભારંભ થયો છે. સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી હતી. નવીન વાવ-થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવીન 2 તાલુકા ઢીમા અને રાહ મળીને કુલ 8 તાલુકાનો સમાવેશ થયો છે.
નવનિર્મિત જિલ્લામાં 8 તાલુકા, 2 નગરપાલિકા, 416 ગામડા તથા 9 લાખ 78 હજાર 840 વસ્તીનો સમાવેશ થાય છે. વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેકટર તરીકે જે. એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન. જે. તેરૈયાએ આજે પોતાનો વિધિવત ચાર્જ સાંભળ્યો હતો.