Good News : ગુજરાતની જીવાદોરી સમાન Narmada Dam 90 ટકા ભરાયો, 119 ડેમ પણ છલોછલ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભને ત્રણ મહિનાનો સમય થઈ ગયો છે. દરમિયાન રાજ્યના ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થઈ ચૂકી છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં(Narmada Dam)90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ચોમાસુ બાકી હોય અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક થવાની શક્યતા હોય રાજ્યનો જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. જ્યારે રાજ્યના 207 ડેમમાંથી 119 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.
સરદાર સરોવર નર્મદામાં 90 ટકા જળસંગ્રહ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. હાલ સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. તેમજ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાના પગલે નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં બે વર્ષ ચાલે તેટલો પાણી
ગુજરાતમાં સરદાર સરોવર પછી બીજા ક્રમે આવતો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી ઉપર આવેલો ઉકાઈ ડેમમાં પણ પાણીનો નોંધપાત્ર સંગ્રહ થઈ ચૂક્યો છે. ઉકાઈ ડેમમાં 86.31 ટકાનો જળસંગ્રહ છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં આગામી બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 61.65 ટકા પાણીનો જ સંગ્રહ
રાજ્યમાં 11મી સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 106 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાત પર હજી પણ ચિંતાના વાદળો ઘેરાયેલા છે. ઉત્તર ગુજરાત ઝોનમાં આવતા અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ડેમમાં હજી સરેરાશ 61.65 ટકા પાણીનો જ સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓના ડેમોમાં સૌથી વધુ 94.13 ટકા, કચ્છ ઝોનના ડેમોમાં 86.33 ટકા, સૌરાષ્ટ્ર ઝોનના 11 જિલ્લાઓના ડેમોમાં 86.24 ટકા અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓના ડેમોમાં 84.30 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
રાજકોટ જિલ્લામાં આવેલા ડેમોમાં સરેરાશ 90 ટકા પાણીનો
બીજી તરફ છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, સુરત, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી અને રાજકોટ જિલ્લામાં આવેલા ડેમોમાં સરેરાશ 90 ટકા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. જ્યારે બાકી રહેતા અન્ય ડેમમાં હજી 80 ટકા કરતા ઓછું પાણી છે.
ચોમાસા પહેલા 207 ડેમમાંથી 86 ડેમ ખાલી હતા
ગુજરાતમાં 11મી જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હતો. તે પહેલા રાજ્યના 207 ડેમમાંથી 86 ડેમ તળિયાઝાટક હતા. જ્યારે વણાકબોરી, ધોળીધજા અને મચ્છુ-3 ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો. જ્યારે 118 ડેમમાં 10 ટકાથી લઈ 90 ટકા સુધીનો પાણીનો જથ્થો હતો.