ગુજરાતની શહેરી પ્રજા ઘરે રાંધતી નથી કે શું? બહારનું ખાવામાં દેશમાં સૌથી આગળ

અમદાવાદઃ ગુજરાતીઓ તેમના ખાવા-પીવાના શોખ માટે પ્રખ્યાત છે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતણો રાંધવામાં એક્પર્ટ જ હોવાની. એમ પણ બને કે અમુક ઘરોમાં પુરુષો રાધતા હોય, પરંતુ ઘરનું ખાવાનું સૌને ગમતું હોય છે. ગુજરાતી વાનગીઓની વિશેષતાઓ ગામે ગામે અને શહેરે શહેરે બદલાય છે. શાકભાજીથી માંડી અથાણા અને પાપડમાં પણ ગુજરાતમાં વેરાયટી મળી આવશે.
ગુજરાતી ઘરોમાં જમવા જવાનું ઘણા નોન-ગુજરાતી પરિવારો ખાસ પસંદ કરે છે કારણ કે સ્વાદિષ્ટ અને અવનવા પકવાન આરોગવા મળે છે, પરંતુ આ સુંદર મજાનું ચિત્ર હવે ધુંધળું થતું જાય છે. એક સર્વે જણાવે છે કે શહેરી ગુજરાતીઓ બહારનું ઝાપટવામાં દેશમાં પહેલા છે, એટલું જ નહીં આખા દેશની એવરેજ કરતા આપણે એકલા વધારે ઓહ્યા કરી જઈએ છીએ.
હાઉસહોલ્ડ કન્ઝપ્શન એક્પપેન્ડીચર સર્વેના અહેવાલો અનુસાર દેશમાં ગુજરાતની જનતા સૌથી વધારે બહારના ખાવા પર ખર્ચ કરે છે. ગુજરાતીઓ તેમની આવકના 13.6 ટકા પ્રોસેસ્ડ ફૂડ-બેવરેજીસ પર ખર્ચ કરે છે. આ ઉપરાંત ઘરે ખાવામા ખર્ચ કરે છે તે અલગ. પ્રોસેસ્ડ ફૂડ કેટેગરીમાં એ દરેક ખાણીપીણી આવે છે જે ઘરે નથી બનતી. બહારના ખાવા બાદ ગુજરાતીઓ 9 ટકા દૂધમાં અને 5.3 ટકા અનાજ ખરીદવામાં વાપરે છે.
બીજા નંબરે કોણ
ગુજરાતીઓ સાથે જ ખાણીપીણી માટે જે જાણીતા છે તેવા પંજાબીઓ બીજા ક્રમાંકે છે. તેઓ આપણા કરતા થોડું ઓછો એટલે કે 13 ટકા ખર્ચ બહાર ખાવા માટે કરે છે. માત્ર 0.6 ટકા જ આપણાથી પાછળ છે. ત્રીજા ક્રમાંકે 12.5 ટકા સાથે કર્ણાટક અને 12 ટકા સાથે દિલ્હી છે. જોકે રાષ્ટ્ર સ્તરે બહાર ખાવાના ખર્ચની સરેરાશ ટકાવારી 11 ટકા છે, જેનો અર્થ કે આપણે રાષ્ટ્રીય ખર્ચ કરતા પણ વધારે ખર્ચ કરીએ છીએ.
Also read: ઉનાળામાં રસ્તા પરના ખુલ્લા અને વાસી અન્નપદાર્થ ખાવાનું ટાળવાની પાલિકાની અપીલ
તમારી આવકમાંથી આટલા તો ખાવામાં ખર્ચાઈ છે
દરેક ગુજરાતીની કુલ આવકમાંથી 45 ટકા આવકા ભોજન કે ભોજન માટેની સામગ્રી ખરીદવામાં ખર્ચાઈ છે. ગ્રામીણ ભાગોમાં 49 ટકા અને શહેરી ભાગોમાં 43 ટકા છે. અહેવાલ એમ પણ કહે છે કે ગ્રામીણ જીવન માટે પણ હવે શહેર કરતા પણ વધારે ખર્ચ થાય છે. શહેરોમાં બહારનું ખાવાનું વધારે એટલા માટે ખવાઈ છે કે અહીં વર્કિગ પોપ્યુલેશન વધુ છે અને ખાણીપીણીની વસ્તુ ખૂબ જ આસાનીથી મળી જાય છે. જોકે માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં બહારનું ખાવાપીવાની ટેવ વધી ગઈ છે.
આ ખતરાની ઘંટી પણ છે
લોકો બહારનું ખાતા હોવાથી ફૂડ ઈન્ડસ્ટ્રી ખૂબ જ ફૂલીફાલી છે. આ સાથે ફૂડ ડિલિવરી એપમાં 30 સેક્ન્ડમાં ફૂડ ઓર્ડર કરી શકાય છે અને અડધી કલાકમાં ગરમાગરમ ફૂડ તમારા ઘરે ડિલિવર થઈ જાય છે. આ તમામ પોર્ટેલ અને ફૂડ સર્વિસ આપતી કંપનીઓ ધોમ કમાણી કરે છે, પરંતુ સતત બહારનું ખાવાથી લાઈફસ્ટાઈલ ડિસિઝના કેસ વધવા લાગ્યા છે. બાળકોને પણ ડાયાબિટિસ અને હાઈપરટેન્શન સહિતની બીમારીઓ થઈ રહી છે અને એવરેજ બીમારીનો શિકાર યુવાનો વધારે થઈ રહ્યા છે, તેમ તબીબો જણાવે છે. આ સાથે બહાર ખાતા લોકો ફરી ઘરે પણ ખાય છે કારણ કે ગુજરાતી ઘરોમાં પણ રોજ અલગ અલગ વાનગીઓ બનાવવાની પ્રથા ઘણે અંશે છે. આથી ઑવરઈટિંગ પણ થતું હોય છે. બહારનું ખાવાનું અશુદ્ધ હોવાનું લગભગ રોજ છાપાઓમાં છપાઈ છે. જે ઘરોમાં મહિલાઓ કામ કરતી હોય, પરિવારના સભ્યો પાસે રસોઈ કરવાનો સમય ન હોય અથવા તો એકલા રહેતા હોય તેવા લોકો બહારનું ખાય તો સમજી શકાય, પરંતુ જો શક્ય હોય તો ઘરનું જ જમવાનું જમવાની ટેવ આરોગ્ય માટે સારી છે તે વાત નિર્વિવાદ છે.