ગુજરાતી વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા: સર્વેમાં ચિંતાજનક તારણો

અમદાવાદ: ગુજરાતમાં જ્યાં નફો-નુકસાન ગણવાની અને છેલ્લી પાઈ સુધી ભાવતાલ કરવાની આવડત સહજ છે, ત્યાં એવી અપેક્ષા રાખવામાં આવે કે વિદ્યાર્થીઓ ગણિતમાં મજબૂત હશે. પરંતુ, તાજેતરના ‘પારખ’ મૂલ્યાંકન અહેવાલમાં એક ગંભીર ચિત્ર સામે આવ્યું હતું. ગુજરાતના વિદ્યાર્થીઓ પછી ભલે તે સરકારી કે ખાનગી શાળાના હોય, રાજ્ય કે કેન્દ્રીય બોર્ડના હોય, શહેર કે ગામના હોય તેઓ ગણિતમાં કાચા પડી રહ્યા છે.
સંખ્યાઓને ક્રમમાં ગોઠવવાથી લઈને બીજગણિતના સૂત્રોનો ઉપયોગ કરવા સુધીના પરીક્ષણોમાં, ગુજરાતના વિદ્યાર્થીઓ સતત રાષ્ટ્રીય સરેરાશથી પાછળ રહ્યા હતા. નિષ્ણાતો ચેતવણી આપી કે આ માત્ર ખરાબ પરિણામો નથી, પરંતુ શિક્ષણના સ્તરમાં એક મોટો ઘટાડો દર્શાવે છે. જેનાથી રાજ્યના ભવિષ્યના કાર્યબળને અસર થઈ શકે છે.
અહેવાલના મુખ્ય મુદ્દાઓ
રાષ્ટ્રીય સરેરાશથી પાછળ : 2024ના ‘પારખ’ મૂલ્યાંકનમાં ધોરણ 3, 6 અને 9ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધોરણ 3માં સંખ્યાઓને ચડતા-ઉતરતા ક્રમમાં ગોઠવવાથી લઈને ધોરણ 9માં આકારનું ક્ષેત્રફળ ગણવા સુધીના દરેક મુદ્દા પર ગુજરાતના વિદ્યાર્થીઓનો સફળતા દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો હતો.
પાયાના ખ્યાલોમાં નબળાઈ: ધોરણ 3ના ગણિતમાં, દેશભરમાં 54 ટકા વિદ્યાર્થીઓ ગુણાકાર અને ભાગાકારના ખ્યાલને સમજી શક્યા હતા, જ્યારે ગુજરાતમાં માત્ર 48 ટકા જ સફળ થયા હતા. તે જ રીતે, દેશમાં 61 ટકા વિદ્યાર્થીઓ મિનિટ અને કલાકોને દિવસોમાં ફેરવી શકતા હતા, પરંતુ ગુજરાતમાં આ આંકડો માત્ર 52 ટકા હતો.
આ પણ વાંચો: CAT Result 2024: 14 ટોપરમાં એકેય ગુજરાતી નહિ, 99.99 ટકા મેળવનાર 2 વિદ્યાર્થી
ઉચ્ચ ધોરણોમાં પણ નબળાઈ : ધોરણ 9માં, જ્યાં દેશના 38 ટકા વિદ્યાર્થીઓ ચલ, સહગુણક અને અચળાંકો સાથેના મૂળભૂત ઓપરેશન્સ કરી શકતા હતા, ગુજરાતમાં આ આંકડો માત્ર 32 ટકા હતો. તેમજ ક્ષેત્રફળ માપવા માટે સૂત્રોનો ઉપયોગ કરવામાં, ગુજરાતનો આંકડો 33 ટકા હતો, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 39 ટકા હતી.
નિષ્ણાતોના મતે, આ નબળાઈના ઘણા કારણો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આપણી શિક્ષણ પદ્ધતિની મુખ્ય સમસ્યા એ છે કે ગણિત ગોખણપટ્ટીથી શીખવવામાં આવે છે. ગુજરાતમાં હવે સીબીએસઈનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે, જે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ છે. અગાઉના પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ માટે વધુ સરળ હતા.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ 20 સુધીના ઘડિયા ભૂલી ગયા છે. ઘડિયા બોલવાની ઘણી શાળાઓમાં એક રીત હતી, જે જટિલ ગણતરીઓ માટે મજબૂત પાયો બનાવતો હતો. જો બાળક ધોરણ 6 પહેલા આ પાયો ન બનાવે, તો પછીથી તે પકડવું ખૂબ મુશ્કેલ બની જાય છે.
આ પણ વાંચો: ટ્રમ્પની નીતિઓએ ગુજરાતી વિદ્યાર્થીઓનો અમેરિકા મોહભંગ કર્યો: વિદેશ અભ્યાસમાં 30% ઘટાડો
આ સમસ્યાના ઉકેલ માટે નિષ્ણાતોએ કોયડા, સુડોકુ જેવી રમતો અને ગણિતના વ્યવહારિક ઉપયોગો દ્વારા વિદ્યાર્થીઓમાં રસ જગાવવાનું સૂચન કર્યું હતું. સૂત્રોએ કહ્યું, આપણે ગણિતને મુશ્કેલ વિષય માનવાનું બંધ કરવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તેના વાસ્તવિક જીવનના ઉપયોગો બતાવવામાં આવે, તો તેઓ તેનો આનંદ માણવા લાગશે. આ નબળાઈને કારણે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે, જે ભવિષ્યમાં રાજ્યના વિકાસ માટે ચિંતાનો વિષય છે.