ભારતીય નાગરિકત્વ છોડવામાં ગુજરાત ત્રીજા નંબરે
અમદાવાદ: આ વાત કદાચ અજુગતિ લાગે પણ ભારતીય નાગરિક્તાનો ત્યાગ કરવામાં પીએમ મોદીનું રાજ્ય ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. આ અંગેના સત્તાવાર સરકારી ડેટામાં દર્શાવવામાં આવ્યું છે કે 2014-22 ની વચ્ચે એટલે કે છેલ્લા નવ વર્ષમાં ગુજરાતમાંથી આશરે 22,000 વ્યક્તિઓએ તેમની ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવાનું પસંદ કર્યું છે. 10 ઓગસ્ટ, 2023 ના રોજ, સંસદ સભ્ય સુશીલ કુમાર મોદીએ રાજ્યસભામાં છેલ્લા એક દાયકામાં સ્વેચ્છાએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા હોય તેવા ભારતીય લોકોની સંખ્યા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
આ સવાલના જવાબમાં, ભારતીય વિદેશ વિભાગે ડેટા પૂરો પાડ્યો હતો જે દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં, ગુજરાતમાંથી 22,300 વ્યક્તિએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે, અર્થાત તેમણે તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. એ જ સમયે દિલ્હીમાં ભારતમાં પાસપોર્ટ સરેન્ડરની સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. આ જ સમયગાળા દરમિયાન 60,414 વ્યક્તિએ તેમના પાસપોર્ટનો ત્યાગ કર્યો હતો. પંજાબમાંથી 28,117 લોકોએ તેમના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા છે અને ગુજરાત ત્રીજા ક્રમે છે અને રાજ્યના 22,300 વ્યક્તિએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે.
તેનાથી વિપરિત, આંદામાન અને નિકોબાર જેવા પ્રદેશોમાં પાસપોર્ટ સરેન્ડરની સૌથી ઓછી સંખ્યા નોંધાઇ છે, જેમાં પાછલા દાયકામાં માત્ર 16 વ્યક્તિઓએ તેમના પાસપોર્ટનો ત્યાગ કર્યો છે. લક્ષદ્વીપ અને દમણ દીવમાં 33 લોકોએ પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા અને સિક્કિમમાં 34 વ્યક્તિએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા.
દેશમાં પાસપોર્ટ સરેન્ડર કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે અને છેલ્લા અગિયાર વર્ષમાં ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરનારા લોકોની કુલ સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. 2011 માં વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે 1,22,819 વ્યક્તિઓએ ભારતીય નાગરિકત્વનો ત્યાગ કર્યો હતો, જે 2022 સુધીમાં વધીને 2,25,620 પર પહોંચી ગયો હતો. ડેટા સૂચવે છે કે 2011 થી 17.50 લાખથી વધુ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી છે.
જો કોઈ વ્યક્તિ પાસે ક્યારેય ભારતીય પાસપોર્ટ હોય અને તેણે અન્ય દેશનો પાસપોર્ટ મેળવ્યો હોય, તો તેણે બીજા દેશની રાષ્ટ્રીયતા મેળવ્યા પછી તરત જ તેમનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવાનો હોય છે.. ભારતીય નાગરિકત્વનો ત્યાગ કર્યા પછી, સરેન્ડર અથવા રિનાઉન્સિયેશન સર્ટિફિક્ટ માટે અરજી કરવી જરૂરી છે.
આજકાલ ગેરકાયદેસર ઇમિગ્રેશનની ચિંતાજનક વાતો જાણવા મળે છે અને તેના દુ:ખદ પરિણામો પણ આવે છે. ગેરકાયદે ઇમિગ્રેશન કરવામાં ઘણા ગુજરાતીઓ પણ છે. જાન્યુઆરી 2022માં કેનેડા-યુએસ સરહદ નજીક મૃત્યુ પામેલા વ્યક્તિઓની શોધ અથવા એપ્રિલ 2023માં સેન્ટ લોરેન્સ નદીમાં ત્રણ ભારતીયોના ડૂબી જવા જેવી ઘટનાઓએ ગેરકાયદેસર સ્થળાંતરના પડકારો પર પ્રકાશ પાડ્યો હતો, પણતોય સમયાંતરે આવી ઘટનાઓ બનતી જ રહે છે.