આપણું ગુજરાત

Gujarat સરકારને સૂચિત જંત્રી માટે 11,046 સૂચનો મળ્યા, સૌથી વધુ જંત્રી દર ઘટાડવા સૂચનો

અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. તેમજ તેનો અમલ થાય તે પૂર્વે રાજયના રિયલ એસ્ટેટ અને બિલ્ડર એસોસીએશને તેનો વિરોધ કર્યો હતો. જેના પગલે સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. આ અંગે રાજય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી.

સૌથી વધુ 6753 વાંધા સૂચનો જંત્રી દર ઓછા કરવા માટે

જેમાં સરકારને છેલ્લા બે મહિનામાં 11,046 વાંધા સૂચનો મળ્યા હતા. જેમાં નવાઇની વાત એ છે કે જેમાં સૌથી વધુ 6753 વાંધા સૂચનો જંત્રી દર ઓછા કરવા માટે મળ્યા હતા. જ્યારે વધારવા માટે માત્ર એટલે કે 1755 વાંધા સૂચનો મળ્યા હતા. જ્યારે સર્વે નંબર ખોટા વેલ્યુઝોનમાં સમાવેશ કરવા 94 , સર્વે નંબરનો સમાવેશ જંત્રીમાં થયેલ ન હોય તેવી 268 અને 2176 અન્ય વાંધા- સૂચનોની અરજી રાજ્ય સરકારને મળી છે.

આ બે મહિનામાં રાજ્ય સરકારને કુલ 11,046 જેટલા વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી 5400 જેટલા શહેરી વિસ્તારમાંથી જ્યારે 5600 થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે.

પ્રક્રિયા 15 દિવસમાં પૂર્ણ કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે

રાજય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જેમાંથી સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી 2179 અને સૌથી ઓછી તાપી જિલ્લામાંથી કુલ 07 જેટલી વિવિધ વાંધા-અરજી મળી છે.

હવે આ વાંધા–સૂચનોના નિકાલ માટે જિલ્લા કક્ષાએ નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા મળેલ સૂચનોની પ્રાથમિક ચકાસણી કરીને જિલ્લા કક્ષાની સમીતિમાં આખરી નિર્ણય માટે મોકલવાની કામગીરી હાથ ધરાશે. જે સમગ્ર પ્રક્રિયા 15 દિવસમાં પૂર્ણ કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

આ પણ વાંચો : 30 જાન્યુઆરીએ સવારે 11 કલાકે બે મિનિટ માટે ગુજરાત થંભી જશે, જાણો વિગત

ઓનલાઇન- ઓફલાઇન વાંધા–સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ હતી

આ ઉપરાંત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, શરૂઆતમાં પ્રસિધ્ધ કરેલ જંત્રી બાબતે વાંધા સૂચનો મંગાવવા માટે 20/12/2024 સુધીની અવધિ રાખવામાં આવી હતી. જે જાહેર હિતને ધ્યાને લઇને તા. 20/01/2025 સુધી લંબાવવામાં આવી હતી. વધુમાં ઓનલાઇનની સાથે ઓફલાઇન પણ વાંધા–સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button