ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, 2 કરોડની ખંડણી માંગી...
Top Newsઆપણું ગુજરાત

ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, 2 કરોડની ખંડણી માંગી…

અમદાવાદઃ ગુજરાતના 4 લોકોનું ઈરાનની રાજધાની તહેરાનમાં અપહરણ કરાયું હોવાનો મામલો બહાર આવ્યો છે. ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ત્રણ જણા અને બદપુરા ગામનો એક વ્યક્તિ એમ કુલ ચાર લોકોનું અપહરણ થયું છે. આ ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા બાદ ઈરાનમાં અપહરણ થયું હોવાની જાણ થતા પરિવારજનો પર જાણે આભ તુટી પડ્યું છે.

અપહરણકારો દ્વારા બાપુપુરા ગામમાં રહેતા પરિવારજનોને અપહત લોકોને વીડિયો મોકલી કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવતા પરિવારજનો ચિંતિત બન્યા છે. આ મામલે માણસાના ધારાસભ્ય જયંતી પટેલને જાણ થતા તેઓએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખી મદદ માગી છે.

ચારેય લોકોનું અપહરણ કરી તહેરાનમાં ગોંધી રાખવામાં આવ્યા હોવાની વિગત બહાર આવી છે. સામેથી બાબા નામના વ્યકિત દ્વારા તેમના પરિવારજનોને ફોન કરી 2 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. પરિવારજનોને એક વીડિયો મોકલવામાં આવ્યો છે જેમાં અપહત લોકોને નગ્ન કરી જમીન પર ઊંધા સુવડાવવામાં આવ્યા છે. કપડાથી મોઢું અને હાથ બાંધેલી હાલતમાં છે. લોકોના શરીર પર લાલ ચાંભાના નિશાન પણ જોવા મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરાના ત્રણ અને બદપુરાનો એક વ્યકિત 19મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા બાદ ઈરાનમાં તેનું અપહરણ થયાનું જાણવા મળ્યું હતું. આ મામલે માણસાના ધારાસભ્ય દ્વારા અમિત શાહને પત્ર લખી મદદ માગવામાં આવી છે.

જેમાં ચૌધરી અજયકુમાર કાંતિભાઈ, ચૌધરી પ્રિયાબેન અજયકુમાર, ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈના નામનો ઉલ્લેખ કરાયો છે. આ ચારેય લોકોને સૌ પ્રથમ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી એમીરેટ્સ એરલાઈન્સ દ્વારા તેઓને બેંગકોક, દુબઈ અને ઈરાનના તહેરાન શહેર લઈ જવાયા હતા.

અપહરણકર્તાઓ દ્વારા અપહત લોકોને એક વીડિયો બનાવી બાપુપુરામાં રહેતા તેઓના પરિવારજનોને મોકલવામાં આવ્યો છે અને બે કરોડની ખંડણી માગવામાં આવી છે. ચારેય લોકોનું ઈરાનમાં અપહરણ થયું હોય સત્વરે તપાસ કરી મદદની માગવામાં આવી છે.

ધારાસભ્ય જયંતી પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ગઈકાલે બાપુપુરાના મિત્રને ફોન કરીને જાણ કરી હતી. જે બાદ આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. ચારેય લોકો હેમખેમ પરત ફરે તે માટે કેન્દ્ર સરકાર ખૂબ ગંભીરતાથી કામ કરી રહી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button