ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ જાહેર: કઈ ફિલ્મનો રહ્યો દબદબો, જાણો કોને મળ્યું શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન? | મુંબઈ સમાચાર

ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ જાહેર: કઈ ફિલ્મનો રહ્યો દબદબો, જાણો કોને મળ્યું શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન?

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ‘ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019’ અંતર્ગત વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી હતી. આ નીતિ હેઠળ ગુજરાતી ફિલ્મોના કલાકારો અને કસબીઓને વિવિધ શ્રેણીઓમાં રોકડ પુરસ્કાર અને પારિતોષિકો એનાયત કરવામાં આવે છે.

46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી

વર્ષ 2023 દરમિયાન સિનેમાગૃહોમાં પ્રદર્શિત થયેલી ફિલ્મો માટે કુલ 46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર આગામી સમયમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરી આ વિજેતા કલાકાર-કસબીઓને સન્માનિત કરશે અને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરશે. આ પારિતોષિકોનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વધુ ગુણવત્તાયુક્ત ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ગુજરાતી સિનેમાનો વ્યાપ વધે અને તેને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે. આ સન્માન સમારોહમાં કલાકારો, દિગ્દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.

કઈ ફિલ્મને મળ્યું શ્રેષ્ઠ ફિલ્મનું સન્માન?

2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોમાં શ્રેષ્ઠ ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે નિર્માતા ચિન્મય પુરોહિત, નીરજ નાઈક અને સુબ્રમણ્યમ ઐયરને જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્રનો એવોર્ડ ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’ માટે નિર્માતા અને દિગ્દર્શક જશવંત ગાંગાણીને જાહેર કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘શુભયાત્રા’ માટે નિર્માતા અને દિગ્દર્શક મનીષ સૈનીને જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી રચશે નવો ઈતિહાસ, ભારતની પ્રથમ ફિલ્મનું થયું મુહૂર્ત, જાણો ખાસિયતો…

કોને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રીનું સન્માન

શ્રેષ્ઠ દિગ્દર્શનનો અવોર્ડ ફિલ્મ ‘સંબંધોમાં ખાલી જગ્યા’ માટે જયેશ ત્રિવેદીને, શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે ચેતનકુમાર ધાનાનીને, શ્રેષ્ઠ અભિનેત્રીનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે બ્રિન્દા ત્રિવેદીને, શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો એવોર્ડ ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’ માટે વિશાલ ઠકકર, શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો એવોર્ડ ગીત ‘આવજો આવજો’ માટે ઉમેશ બારોટ તેમ જ શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો અવોર્ડ ગીત ‘હું અને તું’ માટે મધુબંતી બાગચીને જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મલ્ટીસ્ટારર ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ટ્રેલર લોન્ચ

શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો અવોર્ડ ‘નિક્કી’ ફિલ્મ માટે જાહેર

મહિલા સશક્તિકરણ અંગેનું શ્રેષ્ઠ ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘નિક્કી’ માટે નિર્માતા અને દિગ્દર્શક રૂપાંગ આચાર્ય, તે ઉપરાંત શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો એવોર્ડ પણ રૂપાંગ આચાર્યને ‘નિક્કી’ ફિલ્મ માટે જાહેર કરવામાં આવ્યો હતો. દ્વિતીય શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો એવોર્ડ ફિલ્મ ‘મસ્તીની પાઠશાળા’ માટે નિર્માતા વિપુલ શાહ તેમજ દિગ્દર્શક સુનીલ વાઘેલાને જાહેર કરવામાં આવ્યો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button