Rammandir: દાનવીરોમાં વધુ એક ગુજરાતીનું નામ ઉમેરાયું, 101 કિલો સોનાનું દાન કર્યું
અમદાવાદઃ ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ અયોધ્યામાં થયું છે અને આજે તેની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ લાખો કરોડો લોકો દેશ-દુનિયામાંથી અયોધ્યા આવશે ત્યારે આ મંદિરની ભવ્યતા તેમને મંત્રમુગ્ધ કરી નાખશે તે વાત ચોકકસ છે. આ મંદિરના નિર્માણમાં સોનાનો પણ ઉપયોગ થયો છે ત્યારે એક ગુજરાતી પરિવારે 101 કિલો સોનું દાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. એક મીડિયા અહેવાલ અનુસાર સુરતના ડાયમન્ડ કિંગ લાઠી પરિવારે રામલલ્લાના મંદિર માટે 101 કિલો સોનું દાન કર્યું છે જેની કિંમત રૂ. 68 કરોડ આસપાસ થાય છે.
આ દાનવીરે બધા દાનવીરોને પાછળ મૂકી દીધા છે. લાઠી પરિવાર દ્વારા દાન કરાયેલા સોનામાંથી અયોધ્યા રામ મંદિરના દરવાજાને સોનાથી જડવામાં આવ્યો છે. આ 101 કિલો સોનાનો ઉપયોગ રામ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે કરવામાં આવ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા છે.
હાલ બજારન કિંમત મુજબ, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ 68 હજાર રૂપિયા છે. એક કિલો સોનાની કિંમત લગભગ 68 લાખ રૂપિયા થાય, એટલે કે 101 કિલો સોનાની કુલ કિંમત અંદાજે 68 કરોડ રૂપિયાથી વધુ થાય. જોકે માત્ર દાનની રકમ મહત્વની નથી, પરંતુ ભાવ પણ મહત્વનો છે. તમામ દાનવીરોએ સાચા ભાવથી રામ મંદિર માટે દાન કર્યું છે અને આમાં ગુજરાતીઓનું નામ મોખરે છે.