ગુજરાતમાં બેવડી ઋતુની મોસમ: બે શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું
અમદાવાદઃ ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં સુકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં દિવસના ભાગે ઠંડીની જગ્યાએ ઉનાળો અનુભવાઈ રહ્યો છે, જ્યારે રાતના સમયે ઠંડક અનુભવાઈ રહી છે. જોકે હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી, તેમણે કહ્યું છે કે રાજ્યમાં ઠંડીની જગ્યાએ ઉનાળા જેવી ગરમી રહેશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર રહી શકે છે. અમદાવાદમાં તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું હતું.
આ વર્ષે ઓક્ટોબર મહિનો સામાન્ય કરતા ગરમ રહ્યો છે. ગતરોજ બે શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું હતું. જેમાં ડીસામાં 40.8, ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ત્રણ શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું હતું જેમાં કંડલા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી પાર તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર જઈ શકે તેવી અગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો….IPS હસમુખ પટેલને GPSCનાં ચેરમેનની જવાબદારી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતવાસીઓને બેવડી ઋતુનો સામનો કરવો પડશે. દિવાળીમાં દિવસે લોકોએ ગરમીનો સામનો કરવો પડશે તેમજ રાજ્યમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી શકે છે.