Ahmedabadના નરોડામાં મોડી રાત્રે ખુલ્લી તલવારો સાથે આતંક મચાવતા સાત લોકોની ધરપકડ
અમદાવાદઃ અમદાવાદમાં(Ahmedabad) અસામાજિક તત્વોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના કુખ્યાત બુટલેગરના દીકરાનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાં તેના પિતાએ સાગરિતો સાથે હાથમાં ખુલ્લી તલવારો અને લાકડીઓ લઈને નરોડા અને કૃષ્ણનગર વિસ્તારને બાનમાં લીધો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસે સાત લોકોને ઝડપી પાડ્યા છે.
પાંચ જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બુટલેગરનો દીકરો અજીતસિંહ ગઈકાલે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ સોસાયટીના દરવાજા પાસે ઉભો હતો. આ દરમિયાન કારમાં આવેલા શખ્સોએ ‘ડીપર કેમ માર્યું?’ કહીને અજીતસિંહ સાથે મારામારી કરવા લાગ્યા હતા. થોડીવારમાં બીજી એક કારમાં આવેલા માથાભારે ધમા બારડ સહિતના શખ્સો અજીતસિંહનું અપહરણ કરીને પાર્શ્વનાથ કેનાલ પાસે લઈ જઈને ઢોરમાર માર્યો હતો. આ દરમિયાન અજીતસિંહના ઓળખીતા આવી જતાં અપહરણકારો ભાગી છૂટ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્ત અજીતસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે કૃષ્ણનગર પોલીસ મથકમાં પાંચ જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો…..કચ્છમાં ડ્રગ્સ પછી હેન્ડ ગ્રેનેડ- કંડલા SEZમાં ગ્રેનેડ મળતા મચી દોડધામ
ખુલ્લી તલવારો અને લાકડીઓ લઈ વિસ્તારને બાનમા લીધુ
બીજી તરફ અજીતસિંહને ઢોર માર માર્યો હોવાની જાણ થતાં તેના પિતા કિશોરસિંહે પોતાના સાગરિતો સાથે ધમા બારડની શોધખોળ આદરી હતી. આ દરમિયાન ખુલ્લી તલવારો અને લાકડીઓ લઈને કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓમાં તોડફોડ કરીને રીતસરનો આતંક મચાવ્યો હતો. નરોડા અને કૃષ્ણનગરમાં ગાડીઓમાં તોડફોડ મામલે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ તો આ મામલે પોલીસે સાત જેટલા લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.