Gujaratમાં નવ મહિનામાં સ્ટ્રોકના 9488 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે છેલ્લા નવ મહિનામાં 9,488 લોકોને સ્ટ્રોક-પેરાલિલિસની અસર થઈ છે. ગત વર્ષ 2023માં સ્ટ્રોકના 8,885 કેસ હતા. આમ ગત વર્ષના નવ મહિનાની સરખામણીએ આ વર્ષે 6.79 ટકા કેસ વધારે છે. અમદાવાદમાં છેલ્લા નવ મહિનામાં 2610 કેસ નવા આવ્યા છે, જે ગત વર્ષના નવ મહિનામાં 2594 હતા. આગામી 29મી ઓક્ટોબરના રોજ ‘વર્લ્ડ સ્ટ્રોક ડે’ છે.
આંકડા માત્ર 108 એમ્બ્યુલન્સ ઈમર્જન્સી સર્વિસના
ગુજરાતમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધીના આ આંકડા માત્ર 108 એમ્બ્યુલન્સ ઈમર્જન્સી સર્વિસના છે. આ સિવાય પોતાની રીતે હોસ્પિટલે પહોંચ્યા હોય તેવા કેસનો સમાવેશ નથી જો બધા કેસનો સમાવેશ કરીએ તો સ્ટ્રોકના નવા કેસનો આંકડો વધુ ઊંચો હોઈ શકે છે.
રોજ 35 કે તેથી વધુ વ્યક્તિ શિકાર બની રહી છે
જ્યારે આ વર્ષે છેલ્લા નવ મહિનામાં 2610 કેસ નવા આવતા અમદાવાદમાં 0.62 ટકાનો નજીવો વધારો નોંધાયો છે. ગુજરાતમાં ગત વર્ષે દર રોજ 32 વ્યક્તિ સ્ટ્રોકનો શિકાર બનતી હતી, જે હવે રોજ 35 કે તેથી વધુ વ્યક્તિ શિકાર બની રહી છે.
ધુંધળું દેખાવું, ચક્કર આવવા સ્ટ્રોકના લક્ષણો
તબીબોના જણાવ્યા મુજબ સ્ટ્રોકના લક્ષણોને જરાય હળવાશથી ના લેવા જોઈએ, સરખી રીતે બોલતા હોવ પરંતુ અચાનક બોલવામાં તકલીફ થવા લાગે, મોંઢાનો ભાગ વાંકો થઈ જાય, શરીરનો કોઈ ભાગ જાણે બહેરાશ મારી જાય કે પેરાલિસિસ, અચાનક ધુંધળું દેખાવું, ચક્કર આવવા સ્ટ્રોકના લક્ષણો છે.
પેરાલિસિસ-સ્ટ્રોકના લક્ષણ જણાય તો પ્રથમ ત્રણ કલાક ખૂબ જ મહત્ત્વના છે. દર્દીને જેટલી ઝડપથી સારવાર મળે તેટલી ઝડપથી તેની સાજા થવાની સંભાવના વધી જાય છે. સ્ટ્રોકના વધતા કેસ માટે મેદસ્વીપણું, બેઠાડું જીવન, બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શન જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે.