આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતનું ‘સહકારી’ મૉડલ મહિલા સશક્તિકરણનું બન્યું ઉત્તમ ઉદાહરણ, દૂધ મંડળીઓમાં 21 ટકાનો વધારો…

36 લાખ દૂધ ઉત્પાદક સભ્યમાંથી 32 ટકા મહિલા સભ્યો, મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં 43 ટકાનો હિસ્સો

ગાંધીનગર: આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લાં 5 વર્ષમાં (2020થી 2025 સુધી) મહિલાઓની આગેવાની હેઠળની દૂધ સહકારી મંડળીઓ 21% વધીને 3,764થી 4,562 થઈ ગઈ છે. આ દર્શાવે છે કે રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.

મિલ્ક યુનિયનમાં આશરે 12 લાખ મહિલા સમાવિષ્ટ
ગુજરાતના સહકારી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, મિલ્ક યુનિયનમાં પણ મહિલાઓની આગેવાનીમાં વધારો થયો છે. વર્ષ 2025માં મિલ્ક યુનિયનના બોર્ડમાં 82 ડિરેક્ટર્સ તરીકે 25 ટકા મહિલા સભ્યો છે, જે મિલ્ક યુનિયનની નીતિ ઘડવામાં તેમની સક્રિય ભાગીદારી દર્શાવે છે. ગુજરાતની દૂધ સહકારી મંડળીઓમાં પણ મહિલા સભ્યોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં લગભગ 36 લાખ (દૂધ ઉત્પાદક) સભ્યોમાંથી લગભગ 12 લાખ એટલે કે 32 ટકાનું પ્રમાણ છે.

મેનેજમેન્ટ સમિતિઓમાં પણ મહિલાનું પ્રદાન વધ્યું
એટલું જ નહીં, આ જ સમયગાળા દરમ્યાન ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓની મૅનેજમેન્ટ સમિતિઓમાં પણ મહિલાઓની ભાગીદારી 14 ટકા વધી છે. આ મૅનેજમેન્ટ સમિતિઓમાં મહિલાઓની સંખ્યા 70,200થી વધીને 80,000 થઈ ગઈ છે. આ મહિલાઓ હવે ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓમાં નીતિ નિર્માણ, સંચાલન અને દેખરેખ જેવી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહી છે.

દૂધ મંડળીઓનો દૂધ સંગ્રહ રોજના 57 લાખે પહોંચ્યો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે ગુજરાત કોઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ સહકારી મંડળીઓ દ્વારા મિલ્ક પ્રોક્યોરમેન્ટ (ખરીદી) 2020માં 41 લાખ લિટર પ્રતિ દિવસ (LPD)થી 39 ટકા વધીને 2025માં 57 લાખ લિટર પ્રતિ દિવસ થઈ ગયું છે, જે હાલમાં રાજ્યના કુલ મિલ્ક પ્રોક્યુરમેન્ટના લગભગ 26 ટકા છે.

મહિલા દૂધ મંડળીઓની આવકમાં 43 ટકાનો વધારો
ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ મંડળીઓ આજે સામાજિક પરિવર્તનનું પ્રતીક બની છે, સાથે આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. વર્ષ 2020માં આ મંડળીઓની અંદાજિત દૈનિક આવક ₹ 17 કરોડ અને એ મુજબ વાર્ષિક આવક ₹ 6,310 કરોડ હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ આંકડો વધીને 2025માં ₹ 25 કરોડ પ્રતિ દિવસ થયો છે, જેના કારણે વાર્ષિક અંદાજિત આવક ₹ 9,000 કરોડને પાર થઈ ગઈ છે. એટલે કે, આ સમયગાળા દરમ્યાન મહિલા સંચાલિત મંડળીઓની આવકમાં ₹ 2,700 કરોડનો વધારો થયો છે, જે 43%ની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ સફળતા મહિલા સશક્તિકરણના સહકારી મૉડલની મજબૂતીનો પુરાવો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button